સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો
World Suicide Prevention Day: આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી. આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી-પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે. ગુજરાતમાંથી 3 વર્ષમાં કુલ 25841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બરે ‘આત્મહત્યા નિવારણ દિવસ' છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય છે.
માનસિક બીમારીને કારણે સૌથી વઘુ લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે
આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિના કાઉન્સિલિંગ માટે ગુજરાત સરકાર દ્વારા '104 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધી 7737 કોલ્સ આવેલા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વઘુ 2847, વડોદરામાંથી 609, બનાસકાંઠામાંથી 537 કોલ્સનો સમાવેશ થાય છે. આત્મહત્યા માટે મુખ્ય કારણ માનસિક સમસ્યા છે. અત્યારસુધી આવેલા 7737 કોલ્સમાંથી 4326 એટલે કે અડધાથી વઘુ કોલ્સમાં માનસિક સમસ્યાનું કારણ સામે આવ્યું છે.
નિષ્ફળતા અને હતાશા આત્મહત્યાના મુખ્ય કારણો
વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો 36થી 45 અને 25થી 35ની વયના લોકો દ્વારા સૌથી વઘુ કોલ્સ આ હેલ્પલાઇનમાં કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં કુલ સૌથી 2023 કોલ્સનો સમાવેશ થાય છે. તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ફ્રેન્ડ્સ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી. જેના કારણે તે વઘુને વઘુ હતાશામાં આવીને આત્મહત્યા કરવાનું પગલું ભરી લે છે.
ગુજરાતમાં 25-45 વર્ષની વયના લોકોમાં આત્મહત્યા માટેના કોલ વધ્યા
સોશિયલ મીડિયાને કારણે દેખાદેખીનું પ્રમાણ પણ વઘ્યું છે. જેના કારણે મિત્ર પાસે નવી કાર, વિશાળ ઘર, વિદેશની ટ્રીપના ફોટો સોશિયલ મીડિયામાં જોતાં અનેક લોકો હું પાછળ રહી ગયો તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે.
ઈન્દિરા બ્રિજથી વાસણા બેરેજ સુધી 500 લોકોને ફાયર વિભાગે બચાવ્યા
છેલ્લાં 11 વર્ષમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજથી લઇને વાસણા બેરેજ સુધી અમદાવાદ ફાયર વિભાગના જવાનો દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકી પાણીમાં કૂદીને કે પછી કોઇપણ રીતે રેસ્ક્યૂ કરીને અંદાજે 500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. ફાયર વિભાગના ચીફ ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું કે, ફાયર વિભાગના જવાનો દરેક વખતે પોતાની જાતને જોખમમાં મૂકી તાત્કાલિક પ્રતિસાદ આપે છે. પાણીમાં કૂદીને, દોરડા કે બોટની મદદથી કે પછી વિવિધ તકનીકી સાધનો દ્વારા જીવ બચાવે છે. કેટલીકવાર સેકન્ડોના વિલંબથી જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ જવાનોની તાલીમ, ચપળતા અને માનવતાની ભાવના અનેક જીવને બચાવી લે છે.