ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન લીક, ભ્રષ્ટાચારની આશંકા
Godhra News: ગોધરા નગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલાં વોર્ડ નંબર 4, 5, 9 અને 10ના રહીશોને પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 5 કરોડ 10 લાખના ખર્ચે એક પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન તેની પોલ ખુલી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ટેસ્ટિંગ માટે ટાંકીમાં પાણી ભરવામાં આવતા જ તે ચારેય બાજુથી લીકેજ થવા લાગી હતી. આ ઉપરાંત, ટાંકીના કેટલાક ભાગોમાંથી સિમેન્ટના પોપડા પણ ખરી પડ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રહીશોનો આક્ષેપ છે કે, આટલા મોટા ખર્ચે બનેલી ટાંકીમાં હલકી ગુણવત્તાવાળું બાંધકામ કરવામાં આવ્યું છે, જેના કારણે તે ટેસ્ટિંગ દરમિયાન જ બિનઉપયોગી સાબિત થઈ રહી છે. આ મામલે યોગ્ય તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટનાએ નગરપાલિકાના વિકાસના કામોની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે.