મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર
મહીસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 9 કિલોમીટર દૂર આવેલા વિરાણીયા ગામનું માદરિયા ફળિયું આજે પણ વિકાસથી વંચિત છે. સામાન્ય વરસાદમાં પણ અહીંના સ્થાનિકોને પાણીમાંથી જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થવું પડે છે.
પાણીમાં ગરકાવ રસ્તો, ગ્રામજનો પરેશાન:
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના માદરિયા ફળિયામાં જતો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ બનાવેલું નાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું, અને આજદિન સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આને કારણે માદરિયા ફળિયાના આદિવાસી લોકોને ચોમાસામાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે.
રજૂઆતો છતાં કોઈ નિવારણ નહીં:
ગ્રામજનોએ અનેક વખત સરપંચ તેમજ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને રજૂઆત કરી છે, તેમ છતાં રસ્તો ન બનતા ગ્રામજનો આજે પણ એ જ કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં પણ પાણી ફરી વળતા રાત્રિ દરમિયાન અને દિવસે પણ લોકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. વધુ વરસાદ પડે તો અહીં રહેતા 100 થી વધુ ગ્રામજનો સંપર્ક વિહોણા બની જાય છે.
સ્થાનિકોની માંગ: વહેલી તકે બ્રિજ બનાવો:
સ્થાનિક ગ્રામજનો બે હાથ જોડીને વહીવટી તંત્ર પાસે વહેલી તકે અહીં બ્રિજ બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. જાણે માદરિયા ફળિયામાં આજદિન સુધી તંત્રનો કોઈ વિકાસ પહોંચ્યો જ ન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. રોડ-રસ્તા સહિત અહીંના લોકો પ્રાથમિક સુવિધાઓની માંગણી તંત્ર પાસે કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન
ધારાસભ્યના ગામની વાસ્તવિકતા:
આ ઘટના લુણાવાડા તાલુકાના ધારાસભ્યના જ ગામની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. વિરાણીયા ગામના માદરિયા ફળિયામાં જવા માટે કોઈ પાકો રસ્તો નથી, અને ઘરે જવા માટે સ્થાનિક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે 72 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હોવા છતાં પણ રસ્તો બની રહ્યો નથી. લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરવા સોશિયલ મીડિયામાં વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.