3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
Heavy Rain Forecast: ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. જેના કારણે મોટા શહેરોમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (28મી જુલાઈ) બપોરે 1થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ અને 17 જિલ્લામાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના Nowcast અનુસાર, સોમવારે (28મી જુલાઈ) બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને જામનગરમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઇંચ, મહેમદાવાદ 9.37 ઇંચ, માતરમાં 8.03 ઇંચ, મહુધામાં 7.05 ઇંચ, વાસોમાં 6.22 ઇંચ, કઠલાલમાં 5.31 ઇંચ, ઉમરેઠમાં 5.28 ઇંચ, સાણંદમાં 4.96 ઇંચ અને ખેડામાં 4.96 ઇંચ નોંધાયો છે.
ગુજરાતના જળાશયોની સ્થિતિ
ગુજરાતમાં ભારે વરસાદથી 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25 ટકાથી નીચું છે. હાલ ગુજરાતના 49 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો ઍલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.