ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન
Gujarat Rain Update: રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મધ્યમથી ભારે હાજરી નોંધાવી છે, જેના કારણે અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ભરુચ અને ગાંધીનગરમાં વરસાદની સાથે સ્થાનિક પ્રશાસનની અણઆવડતને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણી અને બિસ્માર રસ્તાઓએ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે.
અમદાવાદ: વરસાદ બંધ છતાં જળબંબાકાર, વાહનચાલકો પરેશાન
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે વટવા જેવા વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રસ્તાઓ જળમગ્ન રહ્યા હતા. સોલા બ્રિજ પાસે SG હાઇવે પર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. નોકરી-ધંધા અર્થે જતાં લોકોને ભરાયેલા પાણી અને ખોટકાયેલા વાહનોને કારણે પારાવાર હાલાકી ભોગવવી પડી, જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી બની હતી. પ્રશાસનની નબળી કામગીરીને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જે હજુ પણ ઉતર્યા નથી, જે દર્શાવે છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અપૂરતી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં દર ચોમાસામાં બાજવા રેલવે ગરનાળુ વરસાદમાં ભરાતા લોકો માટે માથાના દુખાવા સમાન
વડોદરા: ગરનાળાની સમસ્યા યથાવત્, રહીશો હેરાન
વડોદરામાં પણ વરસાદે હાલાકી સર્જી છે. અટલાદરાના મુખ્ય માર્ગો સામાન્ય વરસાદમાં પણ પાણીથી ભરાઈ ગયા હતા. સૌથી ગંભીર સમસ્યા વોર્ડ નંબર એકના છાણી-બાજવા રોડ પરના બાજવા રેલવે ગરનાળાની છે. દર ચોમાસામાં આ ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જતાં છાણીથી બાજવા, ઉંડેરા, કરોડીયા અને જીએસએફસી જેવા વિસ્તારોનો વ્યવહાર બંધ થઈ જાય છે. લોકો જીવના જોખમે ઊંચા રસ્તાઓ પરથી ટુ-વ્હીલર લઈને પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા મુજબ, પાંચ વર્ષથી રજૂઆતો છતાં કાયમી ઉકેલ નથી. હાલ પંપ દ્વારા પાણી ઉલેચવામાં આવે છે, પરંતુ બ્રિજ બનાવવાની યોજના પર રેલવે અને કોર્પોરેશન વચ્ચે ખર્ચના મુદ્દે નિર્ણય ન લેવાતા સમસ્યા વણઉકેલી રહી છે.
વડોદરામાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં વાહનો દબાયા, એકને ઈજા
વડોદરાના રાવપુરા વિસ્તારમાં ગઈકાલ રાતથી વરસી રહેલા વરસાદને કારણે આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. રાવપુરા મુખ્ય પોસ્ટ ઑફિસ (GPO) સામે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે, વૃક્ષ પડતાં પહેલા ઈલેક્ટ્રિકના તારમાં સ્પાર્ક થતાં ચાની લારીવાળા સુનિલભાઈ અને અન્ય લોકો સમયસૂચકતા વાપરી સલામત સ્થળે ખસી ગયા હતા. જોકે, ગણતરીની સેકન્ડોમાં જ વૃક્ષ બે લારી, બરોડા ડેરી પાર્લર, અને નીચે પાર્ક કરેલી કાર, રીક્ષા, સ્કૂટર અને સાયકલ પર પડ્યું હતું, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં સાયકલ પર પસાર થઈ રહેલા એક રાહદારીને પીઠના ભાગે ઈજા થઈ હતી. થોડી સેકન્ડનો સમય મળતાં અનેક લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ રસ્તો બંધ થતાં અવરજવરને અસર થઈ હતી.
અન્ય વિસ્તારોની સ્થિતિ: તંત્રની કામગીરી સામે સવાલ
- બનાસકાંઠા: થરાદના મેઘાપુરા નજીક સુજલામ સુફલામ્ કાચી કેનાલ પરના બ્રિજનો સાઇડનો ભાગ ધોવાઈ ગયો છે. કેનાલનું પાણી પહોંચે તે પહેલાં જ પુલ ધોવાઈ જતાં સ્થાનિક લોકો અટવાયા છે અને તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
- ભરુચ: નેશનલ હઇઈવે 48 પર ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. બિસ્માર માર્ગોના કારણે ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે.
- ગાંધીનગર (કલોલ): કલોલમાં સતત ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તા પર ખોદેલા ખાડાઓ અને તૂટેલા રોડને કારણે નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જે તંત્રની નબળી કામગીરીનો આયનો છે.
દક્ષિણ ગુજરાતમાં કેવી છે સ્થિતિ?
તાપીઃ તાપીના વ્યારા અને સોનગઢ તાલુકામાં વરસાદના કારણે નદીમાં પાણીની સારી આવક થઈ છે. પરંતુ, તાપી અને ડાંગમાં વરસાદના કારણે નદીમાં પાણી આવતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લખાલીથી ચીજબરડી તરફ જતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને અવર-જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાંગઃ વળી, ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં પણ છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી ડાંગની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય જિલ્લાના 6 જેટલા માર્ગને ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.
આજે પણ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ યથાવત્ રહેતા, વિકસિત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થયા છે. પ્રશાસનની અપૂરતી તૈયારી અને માળખાકીય સુવિધાઓની ખામીઓએ ચોમાસાની શરુઆતમાં જ નાગરિકોને મુશ્કેલીમાં મૂક્યા છે. શું આ વર્ષે પણ ચોમાસુ પ્રશાસનની બેદરકારીનો ભોગ લેશે?