For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાં લોકશાહી નહીં બચે', સુરતમાં બોલ્યા કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી

Updated: Apr 23rd, 2024

'આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાં લોકશાહી નહીં બચે', સુરતમાં બોલ્યા કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી

Lok Sabha Elections 2024 : આગામી લોકસભાની ચુંટણી માટે મતદાન થાય તે પહેલાં જ સુરતમાં વિજય સાથે ભાજપનું ખાતુ ખુલી ગયું છે. જોકે, આ ઘટના બાદ આજે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સુરત આવ્યા હતા અને તેઓએ ભાજપ અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, 'આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાંથી લોકશાહી નહીં બચે. હાલ ભારતમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.'

સુરત ખાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 'પહેલા તબક્કામાં જે મતદાન થયું છે તેના આંકડા જોઈને મોદી બોખલાઈ ગયાં છે તેથી કોંગ્રેસ પર તુષ્ટીકરણના ખોટા આક્ષેપ કરી રહ્યાં છે. આગામી ચૂંટણી બે વિચારધારાની નહીં પરંતુ મોદી અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે. મોદી સરકાર અર્થવ્યવસ્થાનું સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. તેના કારણે દેશમાં બેકારી અને મોંઘવારી સતત વધી રહી છે. આજે એન્જીનિયર યુવાનો પણ ડિલિવરી બોય બની રહ્યાં છે.   દેશમાં મોદી-શાહ મોડેલ એટલે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારને ઉલથાવી પોતાની સરકાર બનાવવાનું મોડલ છે.' 

સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત અંગે પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, 'હાલ દેશમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને તેનું ઉદાહરણ સુરતની ઘટના છે તે લોકશાહી માટે ઘાતક બની રહી છે. મોદી કેશલેસ વ્યવહારની વાત કરે છે પરંતુ તેઓએ ઈલેક્ટ્રીક બોન્ડ થકી કેસલેસ કરપ્શન શરૂ કરી ઇલેક્શન બોન્ડના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.'

ભાજપ સરકાર પર મોટા આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, 'મનમોહન સરકારમાં જે વિકાસનો દર હતો તે રીતે જો શહેરનો વિકાસ થયો હોત તો આજે ભારત દેશની પાંચમી નહીં પરંતુ ત્રીજા નંબરનો આર્થિક મજબૂત દેશ બની શક્યો હોત. આ વખતે ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો દેશનું બંધારણ કે લોકશાહી નહીં બચી શકે.'

હાલમાં નિલેશ કુંભાણી અમારા સંપર્કમાં નથી : કોંગ્રેસ નેતા

લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાં બાદ કોંગ્રેસની ઇમેજ ધૂળ ધાણી થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ સામી ચૂંટણીએ કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે જેવો ઘાટ થઈ રહ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા ફોર્મ રદ થયાં બાદ કોંગ્રેસમાં એફિડેવિટની વાત ચાલી રહી છે. તો બીજી તરફ આજે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખે ઉમેદવાર કુંભાણીનો ફોન બંધ હોવાથી સંપર્ક થઈ શક્યો ન હોવાની ચોંકાવનારી વાત કરી હતી. ગઈકાલે સાંજ સુધી કોંગ્રેસ સુરતના મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઉમેદવાર કુંભાણી પાસે એફિડેવિટ કરાવવા માટેની મોટી મોટી વાતો કરતી હતી. પરંતુ હજી સુધી કોઈ એફિડેવિટ થઈ નથી. દરમિયાન આજે સુરત ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતાની પત્રકાર પરિષદમાં કુંભાણી અંગે પ્રશ્નો પુછાતા તેઓએ સ્થાનિક અને પ્રદેશના નેતાઓ જાણે તેમ કહ્યું હતું. તો સુરત કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપુતે કહ્યું હતું કે 'ગઈકાલ સુધી નિલેશ કુંભાણી સંપર્કમાં હતા પરંતુ હાલમાં તેનો ફોન બંધ છે તેથી સંપર્કમાં નથી. આ ઉપરાંત આ ઘટનાની સાથે સાથે કુંભાણી ભાજપમાં જોડાઈ રહ્યાં છે તેવી ચર્ચા જોરશોરમાં થઈ રહી છે.'

જણાવી દઈએ કે, સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જેને લઈને કોંગ્રેસે હવે આ મામલે કોર્ટમાં જવાની તૈયારી કરી છે.

સુરતની ઘટનાને કોંગ્રેસ કોર્ટમાં પડકારશે!

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને કોર્ટમાં પડકારવાનો નિર્દેશ આપતા કહ્યું છે કે, કાયદાકીય વિકલ્પો ખુલ્લા રાખવામાં આવશે. સુરતમાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારના ત્રણ ટેકેદારોની સહીઓ નકલી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પહેલાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગુમ થયા હતા અને ત્યારબાદ ઉમેદવારી રદ કરવામાં આવી હતી.

કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી

કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કરી માગ કરી છે કે, સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા કરાવવામાં આવે. સિંઘવીએ ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, 'અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે, સુરત બેઠક પરની ચૂંટણીને સ્થગિત કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ચૂંટણી યોજવામાં આવે. જેથી એક સ્પષ્ટ સંદેશ જાય કે તમે ખોટો પ્રભાવ ઉભો કરીને ફાયદો ઉઠાવી શકતા નથી.'

Gujarat