કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં LRDની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા, 10 માર્ક ગ્રેસિંગની માંગ
LRD Exam: ગુજરાત પોલીસના સંખ્યાબળને વધારવા માટે લોકરક્ષક દળના જવાનોની 12 હજાર નવી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરાયો હતો. જેમાં 20 માર્ક્સના ગુજરાતી વિષયમાં જે તે સમયે સ્પષ્ટતા કરાઈ હતી કે, પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં નહીં આવે. પરંતુ, પરીક્ષામાં 10 માર્ક્સના વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવતાં હજારો વિદ્યાર્થીઓના પરીક્ષામાં પાસ થવાને લઈને ચિંતા જોવા મળી રહી છે. જે અનુસંધાને પરીક્ષા બોર્ડના વડા નિરજા ગોટરૂને મળીને વ્યાકરણના પ્રશ્નના 10 માર્કસ ગ્રેસિંગના ગણીને પરિણામ જાહેર કરવા માટે માંગણી કરી છે. પરંતુ, હજુ સુધી કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા પરીક્ષાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ
અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન
રાજ્યના ગૃહવિભાગે ગુજરાત પોલીસ સંખ્યાબળ વધારવા માટે લોક રક્ષક દળની 12 હજાર જગ્યાઓ જાહેર કરી હતી. જેની શારીરિક પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી 2.37 લાખ યુવાનોએ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમમાં 80 માર્ક્સના પેપરમાં 30 ગુણ ડેટા એનાલિસિસના, 30 માર્ક્સ માત્રાત્મક યોગ્યતા અને 20 માર્ક્સ ગુજરાતી વિષયમાં વિગતથી ફકરા લખવા માટેના હતા. પરંતુ, પરીક્ષાર્થીઓને ગુજરાતી વિષયમાં યોગ્ય સ્પષ્ટતા ન થઈ હોવાથી આ બાબતે તે સમયના બોર્ડના ચેરમેન હસમુખ પટેલને મળીને રજૂઆત કરી હતી. ત્યારે તેમણે તેમની યુટ્યુબ ચેનલ પર આ અંગે કહ્યુ હતું કે પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્ન પૂછવામાં નહીં આવે. જેથી 2.37 લાખ પરીક્ષાર્થીઓએ ગુજરાતી વિષયમાં વ્યાકરણ સિવાયની તૈયારીઓ કરી હતી. પરંતુ, પરીક્ષામાં 10 માર્ક્સનો વ્યાકરણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે પરીક્ષાના અભ્યાસક્રમ બહારનો હોવાથી મોટાભાગના પરીક્ષાર્થીઓ તેનો જવાબ લખી શક્યા નથી.
આ પણ વાંચોઃ હાલો મેળે...જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ
આ બાબતને ગંભીરતાથી લઈને પરીક્ષાર્થી યુવાનોએ ડીજીપીને મળીને રજૂઆત કરી હતી અને ડીજીપીએ તેમને પોલીસ ભરતી દળના વડા નિરજા ગોટરૂને મળવા માટે સૂચના આપી હતી. યુવાનોએ તેમને મળીને રજૂઆત કરી હતી કે, 10 માર્કસના વ્યાકરણના પ્રશ્નને કારણે મોટાભાગ પરીક્ષાર્થીઓના પરિણામ પર નકારાત્મક અસર થઈ શકે તેમ છે. જેથી આ 10 ગ્રેસિંગ માર્ક્સ ગણીને તેના આધારે પાસ થવાના 40 ટકા માર્ક્સની ગણતરી કરવામાં આવે. જેથી યુવાનોનું ભવિષ્ય ન બગડે. જે અંગે નિરજા ગોટરૂએ ખાતરી આપી હતી કે, કમિટીની મિટીંગમાં આ નિર્ણય લઈને યોગ્ય કરવામાં આવશે. પરંતુ, હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય ન આવતા પરીક્ષાર્થીઓની ચિંતા વધી છે.