Get The App

હાલો મેળે...જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
હાલો મેળે...જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ 1 - image


ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન કરી મેળાને ખુલ્લો મુકશે

લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પીક્સ, હુડો રાસ, પશુ હરિફાઈ, પશુ મેળો સહિતના કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગર  -  થાન તાલુકાના પાંચાળ પ્રદેશ એવા તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે. સવારે ભાદરવા સુદ-૩ના દિવસે સવારે ૯-૩૦ કલાકે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન કરી મેળાને ખુલ્લો મુકશે અને ત્યારબાદ સવારે ૧૦-૩૦ કલાકે ગ્રામીણ રમતોત્સવ, વિવિધ સ્ટોલો, પશુમેળો અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરવામાં આવશે તેમજ રાત્રે મેળાના સ્ટેજ ખાતે ૯-૩૦ કલાકે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન કિર્તન અર્પણ કરશે. 

બીજે દિવસે તા.૨૭ ઓગષ્ટને બુધવારના રોજ સાંજે ૦૫-૩૦ કલાકે પાળીયાદના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર પુ.શ્રી નિર્માળાબા ઉનડબાપુ દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવશે તેમજ રાત્રે માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજાશે. જ્યારે તા.૨૮ ઓગષ્ટને ગુરૃવારના રોજ ઋષી પાંચમને દિવસે સવારે ૬-૩૦ કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે તેમજ સવારે ૮-૩૦ કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે અને સવારે સવારે ૧૦-૦૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ રાધવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળીયા, પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા  સહિત જિલ્લાના ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી.કે.પરમાર, કિરિટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના રાજકીય આગેવાનો મેળામાં ઉપસ્થિત રહેશે. 

ગુજરાત પ્રવાસન નિગમના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત લેશે તેમજ શિવપુજન ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.  આ ઉપરાંત રસ્સાખેંચ, કુસ્તી સહિતની ગ્રામીણ ઓલ્મ્પીક્સ સ્પર્ધા તેમજ પરંપરાગત રાસ તેમજ હુડો, રાસ-ગરબા, છત્રી હરિફાઈ, વેશભુષા હરિફાઈ, પાવા હરિફાઈ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે અને રાત્રે ૯-૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ તેમજ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અંતિમ દિવસે તા.૨૯ ઓગષ્ટને શુક્રવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે ત્યારબાદ બપોરે ૧૨-૦૦ કલાકે જીલ્લા વહિવટી તંત્ર તથા જીલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ મેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝાંખી થાય છે ખાસ કરીને માલધારી સમાજ, મોટાભાઈ નાનાભાઈ ભરવાડ, રબારી, ત.કોળી, ચુ.કોળી, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, ગરાસીયા દરબારો, કાઠી દરબારો દરેક સમાજ કોઈપણ જાતનાં ધાર્મિક ભેદભાવ વિના આ મેળામાં આવે છે અને ભાતીગળ મેળાની મોજ માણે છે. આ ઉપરાંત તરણેતરનાં મેળામાં ગ્રામ્ય રમોત્સવની રમતોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં અશ્વરેસ, બળદગાડા રેસ, હોલીબોલ, ખોખો, કુસ્તી, કબડ્ડી જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. 

મેળામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

આજથી શરૃ થતા મેળામાં કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૧૦-ડીવાયએસપી, ૫૦-પીઆઈ, ૧૦૦-પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિત ૨૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે તેમજ ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં આવતા લોકો પર નજર રાખવામાં આવશે.

મેળામાં આરોગ્ય તેમજ સફાઈને લઈને પણ તંત્ર સજ્જ

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે ત્યારે મેળામાં આવતાં લોકોના આરોગ્યનું ચેકિંગ તેમજ રોગચાળો ન ફેલાય તે માટે મેળામાં સફાઈ સહિતની બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને સફાઈ ન રાખનાર સ્ટોલધારકો સામે કાર્યવાહી પણ કરાશે.


Tags :