Get The App

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 1 - image


Women's Equality Day : મહિલા સમાનતા દિવસની દર વર્ષે 26મી ઓગસ્ટે ઉજવણી થાય છે. મહિલા સમાનતાના માર્ગમાં આજે પણ અનેક પડકારો છે. મહિલાઓ માટે સમાન તકોની હિમાયત કરાય છે, પરંતુ હજુ મળતી નથી તે હકીકત છે. સામાજિક રૂઢીઓ અને પરંપરાઓ સાથે સમાજની માનસિકતામાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે. રાજકોટમાં પુરુષોના વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં એક કદમ મૂકનારી માનુનીઓ શું કહે ચાલો જાણીએ. 

સમાજ વ્યવસ્થા સાથે સંઘર્ષ કરી મહિલા મહંત બન્યા

મહિલા મહંત અરૃંધતી દાસજીએ જમાવ્યું કે, 'મે રામાનંદ વૈષ્ણવ વિરક્ત સંપ્રદાયના પ્રથમ મહિલા મહંત તરીકે જાગનાથ મંદિરનો ડિસેમ્બર 2012માં કાર્યભાર સંભાળ્યો હતો. મારી દિક્ષાગ્રહણ પૂર્વે સખત વિરોધ થયો પરંતુ મેં ધીરજ અને સહનશીલતા સાથે મહંત તરીકે કાર્યભાર સંભાળ્યો. મારી કાર્યપદ્ધતિ અને ભગવાન માટેની શ્રધ્ધા જોઈને મંદિરે આવતા ભક્તો મારો આદર કરે છે અને જરૂર પડયે માર્ગદર્શન પણ લે છે.'

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 2 - image
મહિલા મહંત અરૃંધતી દાસજી

કંડકટરની નોકરી મેળવનાર પરિવારની પ્રથમ મહિલા

બસ કંડકટર શિતલ મેરે કહ્યું કે, 'મેં લગ્ન પછી સરકારી નોકરીની તૈયારી કરી અને કંડકટરની નોકરી મેળવી હતી. મારા પરિવારમાંથી કંડકટરની નોકરી મેળવવાર પ્રથમ મહિલા છું. નોકરીના શરૂઆતના દિવસોમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ સમાજમાં હું કુતૂહલનો વિષય બની હતી, પરંતુ સમય સાથે લોકોની માનસિકતામાં પણ પરિવર્તન આવ્યું છે. અત્યારે સ્થિતિ સામાન્ય બની છે.'

ડ્રાઇવિંગ શીખવા આવતાં પુરુષો વિશ્વાસ કરતા નથી

ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર મોસમ જાનીએ કહ્યું કે, 'હું 20 વર્ષથી કાર ડ્રાઇવિંગ શીખવું છું. શરૂઆતમાં મારી પાસેથી ડ્રાઇવિંગ શીખવામાં પુરુષો ખચકાટ અનુભવતા કે લેડિઝ પાસેથી થોડું ડ્રાઇવિંગ શીખાય. જ્યારે હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે ઘણાં મેઇલ લર્નર પણ સપોર્ટ કરે છે. પહેલા અને અત્યારે પણ મારી પાસે ડ્રાઇવિંગ શીખવા આવતી યુવતીઓ, મહિલાઓએ હંમેશા વિશ્વાસ રાખી સપોર્ટ કર્યો છે.'

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 3 - image
ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર મોસમ જાની

મહિલા તરીકે હંમેશા માન-સન્માન મળ્યું છે

પોસ્ટ વુમન ફાલ્ગુની જોશીએ કહ્યું કે, 'હું મૂળ અમરેલીની છું. હું સ્થાનિક લેવલે પોસ્ટ વુમનનું કાર્ય કરતી હતી. ત્યાર પછી મારા લગ્ન થયા અને રાજકોટમાં પ્રમોશન મળ્યું. મને સાસરીયામાં પણ સપોર્ટ મળ્યો અને હાલ રાજકોટમાં ફરજ બજાવું છું. નોકરીમાં કુરીયર આપતી વખતે સરનામુ ન મળે ત્યારે સ્થાનિક લોકો મહિલા તરીકે આદરપૂર્વક રસ્તો બતાવે છે, જે મારા કામ કરવાના ઉત્સાહમાં વધારો કરે છે.' 

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 4 - image
પોસ્ટ વુમન ફાલ્ગુની જોશી

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ

મહિલા રિક્ષાચાલકને લોકો અને સરકારનો નહિવત્ સપોર્ટ

રિક્ષાચાલક રેખાબહેન જેઠવાએ જણાવ્યું કે, 'હું બાર વર્ષથી શાપરમાં રિક્ષા ચલાવું છું. છેલ્લા પાંચ વર્ષથી સારી કમાણી થતી નથી. હું પહેલા સરકારી 'પીંક રિક્ષા' ચલાવતી હતી, પરંતુ તેમાં વારંવાર ખર્ચ થતો હતો. તેનાથી કંટાળીને હવે હું ભાડે લઇને રિક્ષા ચલાવું છું. હું મહિલા હોવાથી પુરુષ રિક્ષાચાલક અને પેસેન્જર દ્વારા કનડગતનો સામનો કરવો પડે છે. પરંતુ અમુક લોકો મારી પ્રસંશા કરી મારી સાથે સેલ્ફી પાડવાનો પણ આગ્રહ કરે છે.'

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 5 - image
રિક્ષાચાલક રેખાબહેન જેઠવા

Tags :