For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્ષત્રિયોએ ભાજપની મુશ્કેલી વધારી, પ્રચાર વચ્ચે 'રૂપાલા હાય હાય' ની નારેબાજી, ઠેર-ઠેર વિરોધ

Updated: Apr 27th, 2024

ક્ષત્રિયોએ ભાજપની મુશ્કેલી વધારી, પ્રચાર વચ્ચે 'રૂપાલા હાય હાય' ની નારેબાજી, ઠેર-ઠેર વિરોધ

Lok Sabha Elections 2024 | ક્ષત્રિયોનું આંદોલન મંદ પાડવામાં પણ ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને ઠેર ઠેર ભાજપના ઉમેદવારો, નેતાઓ પ્રચાર માટે ગયા ત્યાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો કરાયાના અહેવાલ  મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના લખતરમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલતાં વેંત જ ક્ષત્રિયોએ રોષભેર ત્યાં ધસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમાં અનેક સ્થળે ઉગ્રતા વ્યાપ્તા પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી, અટકાયતોનો દોર ચાલ્યો હતો. 

ભાજપ કાર્યાલય પાસે એક તરફ ભાજપે કોંગ્રેસ હાય હાય અને તેની સામે ક્ષત્રિયોના ટોળાએ રૂપાલા હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં મામલો બીચક્યો હતો પરંતુ બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને અનેક યુવાનોની અટકાયત કરતાં મામલો શાંત પડ્યો હતો. 

સુરેન્દ્રનગરમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિર્યો, અન્યસમાજના લોકો એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને મોમીનવાસ ગામે મુસ્લિમ સમાજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ક્ષત્રિય આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

દ્વારકાથી નીકળેલો ક્ષત્રિય અસિમિતા રથ લાલપુર પહોંચ્યો ત્યારે ભાજપ વિરુધ્ધ મતદાન કરવા અભિયાન ચાલ્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે તમામ જ્ઞાતિ સમાજના લોકોએ સમુહમાં ભાજપની વિરુધ્ધ મતદાન કરવાના સોગંદ ખાધા હતા.

ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં મહાકાળી માતાજીના મંદિર પાસે ૨૦ ગામના ક્ષત્રિય તથા અન્ય સમાજના લોકોએ ભેગા થઈને ભાજપ વિરુધ્ધ પત્રિકા વિતરણ કરવા, ઘરે ઘરે ભાજપ વિરુધ્ધ મતદાન કરાવવા જવાબદારીઓ સ્વીકારાઈ હતી અને મતદાનના શપથ પણ લેવાયા હતા.

Article Content Image

Gujarat