For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં જ્ઞાતિ-નેતાઓનો વ્યક્તિગત વિરોધ ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો, આ બેઠકો પર નડશે!

Updated: May 6th, 2024

ગુજરાતમાં જ્ઞાતિ-નેતાઓનો વ્યક્તિગત વિરોધ ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો, આ બેઠકો પર નડશે!

Lok Sabha Elections 2024: ભાજપ માટે ગુજરાતની બેઠકો જીતવી સૌથી સરળ માનવામાં આવે છે. આર્થિક અને ઉદ્યોગોની દ્રષ્ટિએ ગુજરાત જેમ દેશ માટે મોડેલ છે, તેમ કેસરિયા પાર્ટી માટે ગુજરાત એક રાજકીય લેબ પણ ખરી. આ રાજ્યની તમામ બેઠકો છેલ્લી બે ચૂંટણીમાં જીત્યા પછી આ વખતે દરેક બેઠકો ઉપર પાંચ લાખની લીડથી જીતવું એવો લક્ષ્યાંક હતો. પરંતુ, સ્થાનિક વિવાદો, સામાજિક નારાજગીના કારણે હવે એવી કેટલીક બેઠકો છે જે જીતવા માટે ભાજપે તેની પૂરી તાકાત લગાવવી પડી છે. 

આ બેઠકો વિવાદોમાં રહી

ગુજરાત ભજપ માટે લોકસભા 2024 આક્રમક પ્રચારના બદલે બેકફૂટ સરંક્ષણ અને બચાવ માટે રહ્યું છે. ઉમેદવારના નામની જાહેરાત સાથે જ વિવાદ જોવા મળ્યા હતા. સૌથી પહેલા વડોદરામાં રંજન ભટ્ટ સામે સ્થાનિક ભાજપ આગેવાનો, પૂર્વ મેયરે કકળાટ કર્યો અને એ જ દિવસે સાંજે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર સામે પણ વિવાદ થયો. ભીખાજી ઠાકોર નથી પણ ડામોર છે એવા પ્રચાર, પત્રિકાઓ વહેતી થઇ. ભાજપ આદેશ આપે એ પહેલા ફરીથી સાંસદ બનવાની તૈયારી કરી રહેલા રંજન ભટ્ટે પત્રકાર પરિષદ કરી, ભારે હૃદય સાથે નામ પરત ખેંચવાની ઘોષણા કરી. સાબરકાંઠામાં ભીખાજીની જગ્યાએ કોંગ્રેસમાંથી આવેલા શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થઇ. સાબરકાંઠાનો વિવાદ ઉમેદવારી પત્રક ભરવા સુધી ચાલ્યો. ભીખાજી ઠાકોરના ટેકેદારોએ ઉગ્ર રીતે તેમને ફરી ઉમેદવાર બનાવવા માટે અભિયાન ચલાવેલું. રાજ્ય ગૃહમંત્રી, પ્રદેશ નેતાગીરી અને છેલ્લે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરવો પડયો હતો. 

રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ

આ બધાં વિવાદની વચ્ચે મૂળ અમરેલીના વર્તમાન નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા. આયાતી ઉમેદવાર હજી પ્રચાર માટે તખતો ગોઠવે એ પહેલા એક કાર્યક્રમમાં તેમણે ક્ષત્રિય સમુદાય અને રાજા-મહારાજાઓએ બ્રિટીશ કાળ દરમિયાન કેવી પ્રવૃત્તિ કરી તે અંગે ઘસાતું નિવેદન આપ્યું. આ નિવેદનથી ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. રૂપાલાને બદલવા માટે ભાજપ તૈયાર નથી થઈ. રૂપાલાની માફી ક્ષત્રિય સમાજે સ્વીકારી નથી અને હવે રાજકોટ બેઠકનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યો છે. દરેક બેઠક ઉપર ક્ષત્રિય સમાજે ભાજપનો વિરોધ કર્યો છે, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી છે. અનેક પ્રયત્ન છતાં, વિવિધ સ્તરે મધ્યસ્થી પછી પણ ક્ષત્રિય અત્યારે ભાજપની વિરુદ્ધ મત આપવાના હોવાની જાહેરાત રોજ કરી રહ્યા છે. 

કનુ દેસાઇ સામે કોળી સમાજમાં રોષ

ક્ષત્રિયોના ઉગ્ર વિરોધના કારણે સુરેન્દ્રનગર, જામનગર, સાબરકાંઠા, ભાવનગર, જૂનાગઢ જેવી બેઠકોમાં મતદાન ઉપર ચોક્કસ અસર જોવા મળી શકે એવી શક્યતા છે. આ બેઠકો ભાજપ માટે સરળ હોવા વચ્ચે હવે તેમાં મહેનત કરવાનો સમય આવી ગયો છે. જ્યાં કોંગ્રેસ લડી રહી છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પણ મજબૂત હોવાથી વાતાવરણ બરાબર જામ્યું છે. ક્ષત્રિય સિવાય પ્રચારના અંતના દિવસોમાં બે બીજા વિવાદ પણ થયા છે. ગુજરાત રજ્યના નાણા મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજ વિરુદ્ધ એક નિવેદન કર્યું, આ નિવેદનનો વીડિયો વાયરલ થયો એટલે શનિવારથી કોળી સમાજે મતના માધ્યમની ભાજપને પરચો આપવાની જાહેરાત કરી છે. ગામે-ગામ દાવાનળ પ્રસરી ગયો છે. 

ગુજરાતના કાંઠાળ વિસ્તાર - ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહુવાથી પોરબંદર સુધી કોળી સમાજ ફેલાયેલો છે. આ ઉપરાંત રાજકોટમાં જસદણ અને સુરેન્દ્રગર જિલ્લામાં પણ સમાજની બહુમતી છે. આ અંગે ભાજપે તાકીદે ડેમેજ કન્ટ્રોલ કરવો પડે એવી સ્થિતિ છે. જો કે, ભાજપ પાસે કોળી સમાજના સૌથી મોટા નેતાઓની ફોજ છે, ચૂંટાયેલા ધારાસભ્ય છે પણ જો ક્ષત્રિય સમાજને ઠંડો પાડવામાં નેતાગીરી નિષ્ફળ રહી એવી જ હાલત અત્યારે પણ થાય તો બાજી બગડી શકે છે. સૌથી મહત્ત્વનું છે કે ,હવે પ્રચાર બંધ થઇ ગયો છે અને મંગળવારે મતદાન છે એટલે ઓછા સમયમાં કેટલી ઝડપથી ડેમેજ કન્ટ્રોલ થાય એ જોવાનું રહ્યું.

રાજકોટમાં પત્રિકા વિવાદ 

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે એવી એકક પત્રિકાનો વિવાદ શુક્રવારે થયો હતો. પુરુષોત્તમ રૂપાલા લેઉવા પટેલ સમાજના વિરોધી છે એવો સૂર વ્યક્ત કરતી આ પત્રિકા પોલીસ ફરિયાદ અને ચાર યુવકોની ધરપકડ પછી વધારે વાયરલ થઇ. વાયરલ થવાનો સાથે સૌરાષ્ટ્રમાં એક કે બે ગામોમાં લેઉવા પાટીદારની બેઠકો થઇ, ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેની માંગ પણ થઇ હતી. જોકે, અત્યારે આ વિવાદ શાંત પડી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સિવાય, એવી કેટલીક બેઠકો છે જેમાં સ્થાનિક ઉમેદવાર સામે લોકોને રોષ છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સામે જ્ઞાતિગત અને સ્થાનિક નેતાગીરીને વાંધો છે. આણંદ, બનાસકાંઠામાં પણ આવા ઉમેદવાર કેન્દ્રિત વિરોધ જોવા મળી રહ્યા છે. ભરૂચની બેઠકમાં 1998થી દરેક ચૂંટણીમાં જીતતા મનસુખ વસાવા સામે ચૈતર વસાવાની લડાઈ છે. ચૈતરે પોતાના જ ગુરુ છોટુ વસાવાના પુત્રને એક ચૂંટણીમાં હરાવ્યા હતા અને તે છેલ્લા ચાર મહિનાથી આ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. 

Article Content Image

સુરેન્દ્રનગર: કોળી અને ક્ષત્રિય મતદારો નક્કી કરશે કે કોણ જીતે

સુરેન્દ્રનગરની બેઠકમાં સૌથી પહેલા તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. ભાજપ આ વખતે તળપદા કોળીને મેન્ડેટ આપે એવી સ્થાનિકોની માંગ હતી, પરંતુ તેના બદલે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોર આવ્યા. બેઠકમાં લગભગ સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. સામે, કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે જે તળપદા સમાજના છે. રાજ્કીય રીતે પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈના પૌત્ર અને સવશી મકવાણાના પુત્ર ઋત્વિક એક શિક્ષણ સાથે જોડાયેલા છે. સ્વચ્છ અને ઉજળીયાતની છાપ ધરાવે છે. બીજું, પરીબળ જોડાયું છે ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વિરોધ આ બેઠક ઉપર જોવા મળે છે. શહેર, ગામ અને ગલીઓમાં ભાજપનો બહિષ્કાર થઇ રહ્યો છે, પ્રચાર માટે ના પાડવામાં આવે છે. તળપદા સમાજને જોઈતા ઉમેદવાર અને ક્ષત્રિય સમાજની નારજગી આ બેઠકના પરિણામો અણધાર્યા આવી શકે એવો સંકેત આપે છે.

Article Content Image

સાબરકાંઠા: સ્થાનિક નારાજગી ભાજપ માટે પડકાર

કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી લડી રહ્યા છે. સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર શોભનાબેન બારૈયા મેદાનમાં છે. શિક્ષિકા બારૈયા અગાઉ આ બેઠક ઉપરથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામ આવ્યા હતા. જોકે, ભીખાજી ઠાકોર નથી, તેમણે અટક બદલાવી છે એવો વિવાદ ઉભો થતા તેમણે પોતાનું નામ પરત ખેચી લીધું હતું.  બારૈયાના નામની જાહેરાત સામે સ્થાનિક નેતાગીરીનો ઉગ્ર વિરોધ છે. તાલુકા અને જીલ્લા સ્તરે આ અંગે રજૂઆત થયેલી છે. એક - બે વખતતો ભાજપની નેતાગીરીને ધક્કે ચડવવામાં આવી હતી. બીજું એક પરીબળ મહત્વનું છે કે ઇડર -વડાલી વિસ્તાર આ બેઠકમાં સૌથી મહત્વનો છે. વિધાનસભા બેઠક એવા આ વિસ્તારમાં ભજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ઉગ્ર વિરોધ છે. કાર્યકરો અને આદિવાસી અંગે ઘસાતું બોલ્યા પછી તેમને ધક્કે ચડાવવા, બોલવા નહી દેવા અથવા વોક આઉટની ઘટનાઓ બની છે. આ વિસ્તારના ખેડૂતો પણ રમણલાલ વોરાની નિષ્ક્રિયતા,માવઠાં બાદ ખેડૂતોને વળતર નહી મળતા પણ વોરા સામે વિરોધ છે અને આ વિરોધની અસર લોકસભાના મતદાનમાં જોવા મળશે એવી શક્યતા છે. આ બેઠક ઉપર ૨૦ ટકા ઠાકોર સમાજના મતદાર છે અને ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના ભાજપ સામેના વિરોધની સૌથી મોટી અસર અહી જોવા મળી શકે છે. 

બનાસકાંઠા: બે મહિલાઓના જંગમાં ઠાકોરોના હાથ ઉપર

પ્રદેશ કક્ષાએ ભાજપના મોટા નેતા, સહકારી આગેવાન શંકર ચૌધરીને પરાસ્ત કરનાર ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે. સામે શંકર ચૌધરી કેમ્પના રેખાબેન ચૌધરી ભાજપે ઉતાર્યા છે. ચૌધરી અને ઠાકોર સમાજ આ બેઠકના ૧૯ લાખ જેટલા મતદારોમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. અને દરેક વખતે આ બે સમુદાય જ નક્કી કરે છે કે કોણ જીતે. રેખાબેન ચૌધરીની સામે સમાજના પરબત પટેલ પણ ટિકિટના દાવેદાર હતા પણ એમનું નામ કપાઈ ગયું છે. આ સ્થિતિમાં પટેલના ટેકેદારો નિષ્ક્રિય થઇ ગયા હોવાની વાતો આવી રહી છે. બંને ઉમેદવારમાં ગેનીબેન પ્રજા વચ્ચે રહી, પ્રજા માટે લડી કામ કરવા માટે જાણીતા છે સામે રેખાબેનને આવો કોઈ અનુભવ નથી એટલે તેની અસર પણ જોવા મળશે. પ્રચારના છેલ્લા દિવસોમાં પ્રિયંકાની સભા અને ક્ષત્રિય આંદોલનના કારણે બેઠકના ત્રીજા સૌથી મોટા સમુદાયનો લાભ કોંગ્રેસને મળી શકે છે. 

Article Content Image

રાજકોટ: ભાજપનો ગઢ બે બહારના ઉમેદવાર માટે જંગનું મેદાન

ભાજપ માટે રાજકોટ એક સલામત બેઠક ગણવામાં આવે છે. જોકે, આ બેઠકે અગાઉ આશ્ચર્યજનક પરિણામ આપ્યા છે પણ એ સમયના નેતાઓ અત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલા છે. પાટીદાર, ઉજળીયાત અને ક્ષત્રિય મતદાર ધરવતી આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસ વતી પરેશ ધાનાણી મેદાનમાં છે. બંને અમરેલીના છે, બંને કડવા પટેલ છે એટલે બંને માટે સ્થાનિક નેતાગીરી જીત માટે મહત્વની છે. આ બેઠક ક્ષત્રિયો અંગે રૂપાલાના નિવેદનના કારણે અને કડવા - લેઉવા પાટીદારના નિવેદનના કારણે એક હોટ સ્પોટ છે.ગણિત, તર્ક અને સંગઠનની દ્રષ્ટિએ ભાજપનો હાથ ઉપર છે પણ છતાં બંને આયાતી ઉમેદવારોમાંથી કોના માટે સ્થાનિક કાર્યકર વધારે જોર લગાવે છે,ગરમી હોય કે નહી બપોરે આરામ ફરમાવતી આ પ્રજા કેટલું મતદાન કરે છે એ પણ જોવાનું રહ્યું. 

Article Content Image

આણંદ: ક્ષત્રિય આંદોલન અને સારી શાખ ટક્કર આપી રહી છે

ક્ષત્રિય આંદોલનની અસર, ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પક્ષ માટે નારજગી, કોંગ્રેસનું મજબૂત નેટવર્ક એક સમયના ગઢ એવા આણંદમાં કોંગ્રેસને ફરી વિજય આપવી શકે એવા પરીબળ છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની લડાઈ ભાજપના મિતેશ પટેલ સામે છે. પ્રચાર દરમિયાન પટેલના કેટલાક વિડીયો વાયરલ થયા હતા એ મુદ્દો શાંત પડે સમયે જ ક્ષત્રિય આંદોલન મધ્ય ગુજરાત સુધી પહોચી ગયું છે. મિતેશ પટેલ અને સ્થાનિક ભાજપ નેતાગીરીને પ્રચારમાં જાકારો મળ્યો હોય, સુત્રોચ્ચાર થયા હોય એવી ઘટનાઓ સામે આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી જાહેર સભા કરી બેઠક ઉપર પ્રભુત્વ માટે પ્રયાસ કર્યા છે. સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાનમાં છે. ભૂતકાળના ઉમેદવાર કરતા ચાવડાની વ્યકિતગત શાખ પણ તેમના માટે પોઝીટીવ છે. ક્ષત્રિય આંદોલનની અસર, પ્રમાણમાં કોંગ્રેસનું મજબૂત નેટવર્ક, સ્થાનિકોની નારાજગી આણંદ બેઠક ભાજપ માટે એક પડકાર ઉભો કરી શકે છે. 

Article Content Image

પાટણ: ઠાકોરોની લડાઈમાં વડગામના મત મહત્ત્વના 

ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર વચ્ચે સીધી લડાઈ છે. સમાજમાં ચંદનસિંહ ઠાકોર એક મોટું નામ છે. લગ્ન પ્રસંગ, ઠાકોર સમાજના પ્રશ્નો અને તેમાં તેમની આગેવાની જોવા મળે છે. આ બેઠકમાં સિદ્ધપુર,પાટણ, ચાણસ્મા, રાધનપુર અને વડગામ મહત્વના વિધાનસભાના ભાગનો સમાવેશ થાય છે. ભાજપ માટે ખેરાલુ, સિદ્ધુપુર અને ચાણસ્મા ગઢ છે પણ સામે રાધનપુર અને પાટણમાં જોરદાર ટક્કર છે. પાટીદાર એવા પાટણમાં કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે જે ચંદનસિંહ માટે કે પીઠબળ છે. વડગામ ક્ષત્રિય અને લઘુમતી, દલિત પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ક્ષત્રિય આંદોલનની અસર અને દલિત-લઘુમતીના આધારે વડગામ નક્કી કરશે કે પાટણ કોણ જીતે. 

Article Content Image

જૂનાગઢ: સ્થાનિક નારાજગી ભાજપને નડી શકે

જૂનાગઢ બેઠક ઉપર રાજેશ ચુડાસમાનો વિરોધ જેટલો બહાર જોવા મળી રહ્યો છે તેના કરતા આંતરિક વધારે છે. વેરાવળના અગ્રણી ડોક્ટરની આત્મહત્યામાં કથિત ભૂમિકાના આક્ષેપ સિવાય તેમની નેતાગીરી અંગે પણ લોકોમાં વિરોધ છે. સ્થાનિક ભાજપના પ્રજાલક્ષી કાર્યો હોય એમાં તે હાજર રહેતા નથી,  પ્રશ્નોને ઉચ્ચસ્તરે વાચા આપતા નથી. વિસાવદર તાલુકામાં ચુડાસમા વિરોધનું વાતાવરણ સૌથી સાફ જોવા મળે. સામે, કોંગ્રેસના હીરાભાઈ જોટવા પ્રજા માટે કામ કરતો વ્યક્તિ છે. નાણાકીય રીતે સદ્ધર હોવાથી ચૂંટણી પ્રચારમાં પણ જોટવાએ પાછુ ફરી જોયું નથી. લોહાણા-ઠક્કર જ્ઞાતિ વેરાવળના તબીબની આત્મહત્યા ભૂલવા તૈયાર નથી અને ક્ષત્રિય, મુસ્લિમ કોંગ્રેસને પડખે છે.

Gujarat