Get The App

જામનગરમાં હાથી શેરીનો જાહેર રસ્તો ગેરકાયદે ગેઇટ મૂકીને બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં હાથી શેરીનો જાહેર રસ્તો ગેરકાયદે ગેઇટ મૂકીને બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ 1 - image

Jamnagar : જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલી હાથી શેરી વિસ્તારમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે લોખંડનો ગેઇટ મૂકી દેવામાં આવતાં કેટલાક સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વિસ્તારમાં પાંચસોથી વધુ લોકો વસવાટ કરે છે, અને તેમની અવરજવર માટેનો આ એકજ મુખ્ય માર્ગ ગણાય છે. પરંતુ છેલ્લા બે મહિનાથી કોઈ વ્યક્તિ દ્વારા રસ્તા વચ્ચે ગેઇટ ખડકી દેવામાં આવતા શેરીનો મુખ્ય રસ્તો લગભગ બંધ જેવી સ્થિતિમાં આવી ગયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ અડધો ગેઇટ કાયમ માટે બંધ રાખવામાં આવે છે, જેના કારણે માત્ર બાજુમાંથી ટુ-વ્હીલર પસાર થઈ શકે એટલી જ જગ્યા બાકી રહે છે. વધુમાં ગેટ નજીક સ્પીડ બ્રેકર પણ બનાવવામાં આવતા અનેક વખત ટુ-વ્હીલર ચાલકો ગેઇટ સાથે અથડાઈ પડે છે, અને અકસ્માત જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અને ઇમરજન્સી સંજોગોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

 શહેરના મુખ્ય વિસ્તારમાં જાહેર રસ્તા પર આ રીતે ગેરકાયદે આડઅવરોધ ઉભો કરાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જાહેર માર્ગ હોવા છતાં કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા મનમાની રીતે ગેઇટ મૂકી દેવાયો છે, જે કાયદેસર નથી.

સ્થાનિક રહિશોએ જામનગર મહાનગરપાલિકા તંત્ર, પોલીસ વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ગેરકાયદે ઉભો કરાયેલો ગેઇટ દૂર કરીને જાહેર રસ્તો ફરીથી ખુલ્લો કરાવવાની જોરદાર માંગ ઉઠાવી છે.