Ahmedabad Crime News: અમદાવાદના શહેરમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ બેફામ બની રહીશો પર હુમલો કરતા ભયનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે છે.
પોલીસે છ શખસોની ધરપકડ કરી
મળતી માહિતી અનુસાર, હાથીજણ વિસ્તારમાં આવેલા ધર્મ વાટીકા ફ્લેટમાં 14મી ફેબ્રુઆરીના રોજ કાર પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી જૂની અદાવત રાખીને દ્રશ્ય ગોસ્વામી અને અન્ય છ અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. નંબર પ્લેટ વગરની કાળા કલરની કારમાં આવેલા આ શખસોએ ફરિયાદીને માર મારીને, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા
આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી સહિત પ્રથમકુમાર ઉપાધ્યાય, કુંજ પટેલ, આયુષ શાહ, પિયુષ રાજપૂત અને દૈવ ડાભી નામના છ આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


