CM હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર, ડિનર ડિપ્લોમસી જામી, દિવાળીએ મંત્રીમંડળની 'સાફસુફી'

Gujarat Cabinet Reshuffle: મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોડી રાત સુધી પાટનગરમાં રાજકીય હલચલ તેજ બની હતી. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છેકે, ભાજપ હાઈકમાન્ડે દિવાળીમાં મંત્રીમંડળની રાજકીય સાફસુફી કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે જ નવું મંત્રીમંડળ રચવા નિર્ણય લેવાયો છે. કયા ધારાસભ્યને મંત્રીપદ આપવું તે મુદ્દે મધરાત સુધી સીએમ હાઉસમાં મંત્રણાનો દોર જામ્યો હતો. આ ઉપરાંત ડિનર ડિપ્લોમસી પણ જામી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ
ધારાસભ્યોમાં ઉત્સુકતા
મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપના ધારાસભ્યો ગાંધીનગર પહોંચી રહ્યાં છે જેના કારણે એમએલએ ક્વાટર્સમાં ધારાસભ્યોનો જમાવડો જામ્યો હતો. આ દરમિયાન, ગુરૂવારે ભાજપના બધાય ધારાસભ્યોને રાત્રે આઠ વાગ્યે સીએમ હાઉસ પહોંચવા સૂચના અપાઈ હતી. મોડી સાંજે સાતેક વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ગાંધીનગર આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ધારાસભ્યોને સંબોધી સંગઠન-સરકારને લઇને કેટલીક ટિપ્સ-માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકમાં પણ ધારાસભ્યોને કોણ મંત્રી બનશે તે જાણવામાં જ ઉત્સુકતા હતી.
બેઠકોનો દોર
સંબોધન પૂર્ણ થયા બાદ જે.પી.નડ્ડા ઉપરાંત રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકરે સીએમ હાઉસમાં જભોજન માણ્યુ હતુ. ત્યાં જ મધરાત સુધી મંત્રણાનો દોર ચાલ્યો હતો. આગામી વર્ષ 2027માં ભાજપને જીત અપાવી શકે તે જોતાં જ્ઞાતિ-પ્રદેશ આધારે મંત્રીની યાદીને આખરી ઓપ અપાયો હતો. જોકે, સૂત્રોનુ કહેવુ છે કે, જ્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રાતોરાત દિલ્હીનું તેડુ મોકલાયુ હતું ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મંત્રીઓની યાદી તૈયાર કરી દેવાઈ હતી. મંત્રીપદના દાવેદારો સાથે સુનિલ બંસલે વન ટુ વન બેઠક પણ કરી હતી.
એવું જાણવા મળ્યુ હતું કે, સીએમ હાઉસમાં આયોજીત બેઠકમાં મંત્રીપદના દાવેદાર ધારાસભ્યોને અણસાર તો આપી દેવાયો હતો. પણ મધરાતે અને વહેલી સવારે ફોન કરીને ધારાસભ્યોને જાણ કરાઈ હતી.


