Get The App

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી સ્થાનિકો પરેશાન 1 - image

Vadodara : વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન વિવિધ તળાવોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ ગોત્રી તળાવ અને સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નોંધાયા હતા. હવે સમા તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

સમા તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓ પડેલી હોવાના કારણે પર્યાવરણ અને સ્વચ્છતા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ઉનાળાની ઋતુ દરમિયાન તળાવોમાં માછલીઓના મોત પાછળ અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું, તળાવના કુદરતી કિનારાઓના સ્થાને આરસીસી માળખાંનું નિર્માણ થવું તેમજ વાતાવરણમાં થતા ફેરફારો માછલીઓના જીવનચક્ર પર પ્રતિકૂળ અસર પહોંચાડે છે.

સ્થાનિકોનું કહેવું છે કે સુરસાગર તળાવમાં પાણીમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા માટે અગાઉ એરેશન પંપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ તે પણ બંધ હાલતમાં હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે તળાવના જળચર જીવન પર વધુ અસર પડતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.