Get The App

ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ રૂપિયા

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ રૂપિયા 1 - image


Kutch News: એક તરફ ભ્રષ્ટાચાર અને લાંચને ડામવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે. તેમ છતાં લાંચિયાઓ પર રૂપિયા રળવાનું એવું ભૂત સવાર થઈ ગયું છે કે લાંચની રકમ વગર તેમને ખિસ્સું ભારે લાગતું નથી.  એવો જ એક કિસ્સો  ભુજ અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે બન્યો જ્યાં આજે ભૂજ એ.સી.બી પોલીસ સ્ટાફે લાંચનું છટકું ગોઠવી એક શિક્ષકને રંગેહાથ લાંચ લેતા ઝડપી લીધા છે. આરોપી ઘનશ્યામભાઇ મનોરભાઇ પટેલ જે નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી અને કારોબારી સભ્ય તેમજ નખત્રાણાની મથલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે માલ સપ્લાયના બિલ માટે મસમોટી રકમનું કમિશન લાંચ પેટે માંગ્યું હતું.

મંડળીના બિલ પાસ કરવા 2,80,000ની માંગી હતી લાંચ

આ કામના ફરીયાદીની કંપનીએ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી, નખત્રાણાને માલ સપ્લાય કરેલા હતા, જેના બિલોના કુલ રૂપિયા: 7,52,132 મંજૂર કરાવવાની અવેજ પેટે આ કામના આરોપીએ પોતાના કમિશનના ફરીયાદી પાસે રૂા.2,80,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આજ રોજ આપવાનો વાયદો કરેલો હતો. ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.2,80,000ની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જતાં ગુનેગાર સાબિત થયા હતા. હાલ ભૂજ એ.સી.બીએ આરોપી શિક્ષક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાંચની રકમ રિકવર કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: 'સરપંચ પતિ' પ્રથા પર NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યો-UTને સમન્સ, હવે વહીવટમાં દખલગીરી કરી તો થશે જેલની હવા

લાંચ હવે કોઠે પડી ગઈ?

એક તરફ સરકારનો મોટો પગાર ઝાપટી રહ્યા છે તો બીજી તરફ ટેબલ નીચેનો વહીવટ માંગી લોકોના કામ અટકાવી લાંચ માંગી રહ્યા છે. ઘણા એવા પણ કર્મચારીઓ કે અધિકારીઓ છે જે પૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે, પણ અહીં વાત એ કર્મચારીઓની છે જેમને લાંચ હવે કોઠે પડી ગઈ છે. જેમાં હવે શિક્ષક પણ બાકાત નથી. સમાજને ઘડનાર પણ હવે લાંચ માંગી રૂપિયાના બંડલથી બંગલા ઊભા કરવાની કોશિશ કરી રહ્યો છે.