અમદાવાદ જમીન દલાલ અપહરણ-ખંડણી કેસમાં 6 આરોપી ઝડપાયા, ભાણિયાએ જ આપી હતી ટીપ
Ahmedabad News : રાજ્યમાં મારામારી, ચોરી, લૂંટ સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અપહરણ અને લૂંટની ઘટના સામે આવી છે. જેમાં જમીનદલાલનું અપહરણ કરીને દાગીના અને રોકડ મળીને કુલ 52.50 લાખનો મુદ્દામાલ લઈને આરોપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે રામોલ પોલીસે ટીપ્સ આપનાર ફરિયાદીના ભાણિયા સહિત 6 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપહરણ અને લૂંટની બનાવમાં 6ની ધરપકડ
મળતી માહિતી મુજબ, વસ્ત્રાલથી ધોળા દિવસે 43 વર્ષીય જમીનદલાલનું અપહરણ કરીને તેમના પરિવાર પાસેથી રૂ.52 લાખ મુદ્દામાલની લૂંટ કરી હતી. સમગ્ર ઘટનામાં જમીનદલાલના કૌટુંબિક ભાણિયા ઋષિએ જ મામાને લૂંટવા માટે વસ્ત્રાલના સંગ્રામસિંહ નામના શખ્સને ટીપ્સ આપી હતી. આ પછી આરોપીઓએ જમીનદલાલનું અપહરણ કરીને લૂંટને અંજામ આપ્યું હતું.
આરોપીઓએ છરી બતાવીને 1 કરોડ રૂપિયાની માંગણી કરી
અમદાવાદ શહેરના વટવાના રહેવાસી અજય સુરેન્દ્રસિંહ રાજપૂત ગત મંગળવારે વસ્ત્રાલથી મેમાડપુરાના સંતોષીનગર પાસેના તેમના પ્લોટ તરફ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા. તેવામાં બપોરે 1 વાગ્યાની આસપાસ જૂના કબીર મંદિર પાસે કેટલાક શખ્સોએ તેમને કાળા રંગની ઇનોવા કારથી રસ્તો રોકીને હુમલો કર્યો હતો. ત્યારબાદ ટોળકીએ અજયને બળજબરીથી વાહનમાં બેસાડીને લઈ ગયા હતા અને છરી બતાવીને 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
ફરિયાદએ જણાવ્યું હતું કે 'આરોપીઓએ મને લાકડીઓ વડે માર માર્યો હતો. આરોપીએ પૈસા અને કિંમતી વસ્તુઓની વ્યવસ્થા કરવા દબાણ કરતાં મારી પત્નીએ કર્મચારીને રૂ.7 લાખ રોકડા, રૂ.25 લાખની કિંમતના 25 તોલા સોનાના દાગીના અને રૂ.1.5 લાખની કિંમતના 1.2 કિલોગ્રામ ચાંદીના દાગીના આપ્યા હતા, જેને ચિલોડા સર્કલ પર પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી.'
રોકડ અને સોના-ચાંદીના દાગીના અલગ-અલગ લીધા
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ બે હપ્તામાં કિંમતી વસ્તુઓ એકઠી કરી હતી. જેમાં પહેલા રોકડ અને પછી સોના-ચાંદીના દાગીના લીધા હતા. ફરિયાદીને વાહનમાં બંધક બનાવીને બાદમાં તેને સાંજે 7.30 વાગ્યાની આસપાસ રણાસણ રેલવે ક્રોસિંગ અને નર્મદા નહેર વચ્ચે રસ્તાના કિનારે ઉતારી દીધા હતા. તેવામાં ગેંગે કથિત રીતે ફરિયાદીના બે મોબાઇલ ફોન છીનવી લીધા હતા અને ભાગી ગયા હતા. સમગ્ર મામલે પીડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અપહરણ અને લૂંટની ફરિયાદ મામલે પોલીસે સંગ્રામ સિકરવાર, શિવમ ઉર્ફે કાકુ, સુરજ ચૌહાણ, સેજુ અને અમન ભદોરિયા અને ફરિયાદીનો ભાણિયા ઋષિની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદીના ભાણિયા ઋષિએ મામાની સંપત્તિ વિશે માહિતી આપી હતી. આ પછી આરોપીઓએ ફરિયાદીને લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું.