ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર
Alpha International School In Junagadh: જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ વિવાદના કેન્દ્રમાં છે. હવે આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટનામાં તપાસ કમિટી બનાવાઈ હતી. આ તપાસ કમિટી દ્વારા સમગ્ર મુદ્દે અહેવાલ તૈયાર કરી કલેક્ટરને સોંપ્યો છે. અત્યાર સુધી હોસ્ટેલ મુદ્દે સરકારની કોઈ ચોક્કસ પોલિસી ન હોવાથી અને હવે આવી ઘટના ન બને તે માટેના અનેક સૂચનો સાથે પ્રાંત અધિકારીની અધ્યક્ષતાવાળી કમિટીએ અહેવાલ તૈયાર કર્યો છે. કલેક્ટર દ્વારા હોસ્ટેલ મુદ્દે સૂચનો સાથે સરકારમાં રિપોર્ટ કરાશે.
હોસ્ટેલ મુદ્દે ખાસ પોલિસી સહિત મહત્ત્વના મુદ્દા સરકારને સૂચવાયા
જૂનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો વીડિયો વાઈરલ થતા સરકાર પણ ચોંકી ઊઠી હતી. જિલ્લાના કલેક્ટર દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી હતી. તપાસ કમિટી દ્વારા અલગ-અલગ મુદ્દે તપાસ કરવામાં આવી હતી, જેમાં અનેક ક્ષતિઓ સામે આવી છે. જેમાં હોસ્ટેલમાં ભોજન માટે ફૂડ લાઈસન્સ હોવું જરૂરી છે, 18 વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ હોવાથી બાળ સુરક્ષા વિભાગ દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓ, વાલીઓ અને તેના સંચાલકો સાથે બેઠકો કરી કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે બાળકોના માનસ પર મોટી અસર થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. જે હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની ત્યાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરને બદલે ઘર વપરાશના સિલિન્ડરનો ઉપયોગ થતો હતો, બાંધકામની મંજૂરી, બીયુ સર્ટિ, જીએસટી, ફૂડ લાઈસન્સ, ફાયર સેફ્ટી, બાળ સુરક્ષા વિભાગ સાથે સંકલન સહિતના અનેક પાસાઓની તપાસમાં ક્ષતિઓ સામે આવી છે.
આ પણ વાંચો: ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી
પ્રાંત અધિકારી દ્વારા સમગ્ર મુદ્દે તપાસ કરી અહેવાલ કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. ફરીવાર આવી ઘટનાઓ ન બને તે માટે શું-શું પગલા લેવા જરૂરી છે તે અંગે એ અહેવાલમાં અનેક સૂચનો કરવામાં આવ્યા છે. હવે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ મુદ્દાઓ તૈયાર કરી હોસ્ટેલ મુદ્દે ખાસ પોલીસી બનાવી સરકારના ધ્યાને મુકવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર, કલેક્ટરના અહેવાલના આધારે સરકાર દ્વારા આગામી દિવસોમાં હોસ્ટેલની ખાસ પોલીસી અમલમાં મુકવામાં આવે તો પણ નવાઈ નહીં.