ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ
![]() |
File Photo: Image Freepik |
Kheda Children Death: ખેડાના ઉત્તરસંડા ગામમાં 6 અને 9 વર્ષના બે બાળકનું તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું છે. મૂળ મધ્ય પ્રદેશના સગા ભાઈઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, તળાવ કાંઠે ક્રિકેટ રમતા દરમિયાન અકસ્માતે બંને તળાવમાં ખાબક્યા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, વહેરા ખેડાના ઉત્તરસંડા તળાવમાં બે સગા ભાઈનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મૃતક 9 વર્ષીય મયંક અને 6 વર્ષીય હરેન મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે. બાળકોના પિતા નિલુસિંહ અહીં શ્રમિક કામ કરે છે. વહેલી સવારે જ્યારે નિલુસિંહ બાળકોને કોચિંગમાં મૂકવાના હોવાથી સવારે 10 વાગ્યે ઘરે લેવા ગયા ત્યારે તેઓ ઘરે હાજર નહતા. જોકે, થોડા સમય બાદ પણ બંને ઘરે ન આવતા આસપાસમાં તપાસ કરવામાં આવી. ગામમાં શોધખોળ દરમિયાન તળાવ વિસ્તાર પાસેથી બંનેના ચંપલ અને બેગ મળી આવતા બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા
બેગ અને ચંપલની મળી આવતા તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયરની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે શોધખોળ બાદ બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, શરીરમાં પાણી ભરાઈ જવાના કારણે બંનેનું તળાવમાં જ મોત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ આ મામલે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડ્યા છે. અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના બે સગા ભાઈઓના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.