Get The App

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ કેવી રીતે થઇ? સરકાર ખુલાસો કરે

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ કેવી રીતે થઇ? સરકાર ખુલાસો કરે 1 - image


Aniruddhsinh Jadeja Ribda Case : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની વર્ષ 1988મા ધ્વજવંદન કાર્યક્રમમાં જ પિસ્તોલથી ગોળીઓ ધરબી દઇ જાહેરમાં સનસનાટીભરી હત્યા કરવાના કેસમાં ટાડા એકટ હેઠળ સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ને 2018માં સજા માફી આપવાના સરકારના નિર્ણયને પડકારતી રિટ અરજીની સુનાવણીમાં આજે હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુકત કરવા મામલે સવાલો કર્યો હતા. જસ્ટિસ હસમુખ ડી.સુથારે સરકારના સાાવાળાઓની આવા વિવાદીત નિર્ણયને લઇ સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને કેવી રીતે અને કઇ જોગવાઇના આધારે સજા માફીનો લાભ અપાયો તેનો ખુલાસો સરકારપક્ષ પાસેથી માંગ્યો હતો અને કેસની વધુ સુનાવણી આજે રાખી  હતી. 

સરકારપક્ષ યોગ્ય ખુલાસો કરવામાં નિષ્ફળ : આજે વધુ સુનાવણી

હાઇકોર્ટે જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતાં તેઓ સંતોષજનક જવાબ આપી શકયા ન હતા. હાઇકોર્ટની પૃચ્છાઓ દરમ્યાન સરકારપક્ષ તરફથી પણ સંતોષજનક ખુલાસો કરી શકાયો ન હતો. સ્વ.પોપટભાઇ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાંથી સજા પહેલાં વહેલા મુકત કરી દેવાના સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ગત 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ.બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરીટીને પત્ર લખાયો હતો અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઇ હતી. જેની પાછળ એવું કારણ અપાયું હતું કે, જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે. પરંતુ સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે., તેથી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઇએ. 

અરજદાર દ્વારા અદાલતનું ઘ્યાન દોરાયું હતું કે, હત્યાના ઉપરોકત બનાવ બાદ તેમના પરિવાર દ્વારા પોતાની તમામ મિલ્કત વેચીને ગોંડલ છોડીને જતુ રહેવુ પડયુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને નીલેશકુમાર નામના આરોપીને ટાડા એકટની જોગવાઇ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ ચાલ્યો હતો, જેમાં મહવના સાક્ષીઓ ફરી જતાં બંને આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા. જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં 10 જુલાઇ 1997ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી.  આજે અરજીની લંબાણપૂર્વકની સુનાવણી બાદ કેસની વધુ સુનાવણી આવતીકાલે રાખી હતી. 

શું હતો પોપટભાઇ સોરઠિયાની હત્યાનો સમગ્ર મામલો..??

ગત 15મી ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પોપટભાઈ સોરઠીયાની  અનિરુઘ્ધસિંહ જાડેજા દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરીને સનસનાટીભરી હત્યા કરાઇ હતી. રાજકીય દુશ્મનાવટમાં આ હત્યા કરાતાં ગુજરાતભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજા પણ એક સમયે ધારાસભ્ય રહી ચૂકયા હતા. 

Tags :