Gujarat

ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ 'કલ્પસર' 18 વર્ષ પછી પણ ફાઇલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી

By GS TEAM
25 Feb 20262 mins read
TukuTouch Logo
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જનતાને પીવાના પાણીની સાથે સિંચાઈનો લાભ મળે તે હેતુથી ઘડાયેલી બહુહેતુક 'કલ્પસર યોજના' હવે માત્ર કલ્પના સમાન બની રહી હોય તેવું જણાય છે. છેલ્લા 18 વર્ષમાં રાજ્યમાં છ મુખ્યમંત્રીઓ બદલાયા હોવા છતાં, આ પ્રોજેક્ટના ડીપીઆર(DPR) હજુ સુધી તૈયાર થયા નથી. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કલ્પસર યોજના ક્યારે શરુ થશે તે હજુ અનિશ્ચિત છે, પરિણામે આ મહત્ત્વાકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ માત્ર ફાઇલોમાં જ સીમિત રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ 'કલ્પસર' 18 વર્ષ પછી પણ ફાઇલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી
(AI IMAGE)

Kalpasar Project Status 2026: સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જનતાને પીવાના પાણીની સાથે સિંચાઈનો લાભ મળે તે હેતુથી ઘડાયેલી બહુહેતુક 'કલ્પસર યોજના' હવે માત્ર કલ્પના સમાન બની રહી હોય તેવું જણાય છે. છેલ્લા 18 વર્ષમાં રાજ્યમાં છ મુખ્યમંત્રીઓ બદલાયા હોવા છતાં, આ પ્રોજેક્ટના ડીપીઆર(DPR) હજુ સુધી તૈયાર થયા નથી. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કલ્પસર યોજના ક્યારે શરુ થશે તે હજુ અનિશ્ચિત છે, પરિણામે આ મહત્ત્વાકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ માત્ર ફાઇલોમાં જ સીમિત રહ્યો છે.

ખંભાતના અખાતમાં મીઠા પાણીનો સંગ્રહ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્લાન

ખંભાતના અખાતના બંને કિનારાને જોડીને મીઠા પાણીનું વિશાળ સરોવર બનાવવું એ આ યોજનાની મુખ્ય પ્રાથમિકતા રહી છે. વર્ષ 2002માં તત્કાલીન ભાજપ સરકારે કલ્પસર પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. શરુઆતમાં આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹25 હજાર કરોડ હતો, પરંતુ સતત થતાં વિલંબને કારણે હવે આ ખર્ચ વધીને ₹90 હજાર કરોડ સુધી પહોંચ્યો છે. આ યોજના સાકાર થવાથી સૌરાષ્ટ્રની 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, તેમજ ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર પણ 136 કિલોમીટર જેટલું ઘટી જશે.

ખર્ચ વધ્યો પણ કામ નહીં: કલ્પસર યોજનામાં જમીની સ્તરે કામગીરી શૂન્ય

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કલ્પસર યોજનાના માત્ર વિવિધ અભ્યાસો પાછળ જ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં આ મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, કલ્પસર યોજનાનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ(DPR) હાલ આખરી તબક્કામાં છે. આ ઉપરાંત, છેલ્લા બે વર્ષમાં સરકારે આ યોજના માટે ₹4 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી, જેમાંથી ₹2.60 કરોડનો ખર્ચ પણ થઈ ચૂક્યો છે.

મંજૂરીઓનો લાંબો રસ્તો: DPR બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરીનું વિધ્ન

કલ્પસર યોજના ક્યારે શરુ થશે તે હજુ પણ અનિશ્ચિત છે, ત્યારે સરકારનું કહેવું છે કે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ(DPR) તૈયાર થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કાનૂની મંજૂરીઓ લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછીના આઠ વર્ષના સમયગાળામાં કલ્પસર પ્રોજેક્ટ સાકાર કરવાનું આયોજન છે. આ પરિસ્થિતિ જોતાં લાગે છે કે, કલ્પસર પ્રોજેક્ટના લાભ મેળવવા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતાએ હજુ પણ ઘણા વર્ષો સુધી રાહ જોવી પડશે, કારણ કે હાલમાં આ પ્રોજેક્ટ માત્ર ફાઇલોમાં જ સીમિત છે.

શું છે કલ્પસર પ્રોજેક્ટ?

આ પ્રોજેક્ટ હેઠળ ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે દરિયામાં આશરે 30 કિલોમીટર લાંબો ડેમ બાંધવાનું આયોજન છે. આ ડેમ બાંધવાથી દરિયાનું ખારું પાણી અલગ થઈ જશે અને તેમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી નદીઓનું વહેતું વધારાનું મીઠું પાણી એકઠું થશે.