Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં ખનીજ માફિયાઓના ત્રાસે એક યુવકનો ભોગ લીધો છે. ગેરકાયદે ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિકને ભૂમાફિયાના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવું પડ્યું છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખિયા નામના શખસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત
વીડિયોમાં વ્યક્ત કરી વેદના
મૃતક યુવકે વીડિયોમાં પોતાની આપવીતી વર્ણવી છે. વીડિયોમાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ વિસ્તારમાં ચાલતી બેફામ ગેરકાયદે ખનીજ ચોરી અંગે સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ભૂમાફિયા અનિરુદ્ધસિંહ જખિયા તેને સતત નિશાન બનાવી રહ્યો હતો. યુવકનો આરોપ છે કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપવામાં આવતી હતી, જેના કારણે તે ગંભીર માનસિક તણાવ અને ડરમાં જીવી રહ્યો હતો. આખરે, આ ત્રાસથી કંટાળીને તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.
પરિવારનો આક્રોશ અને ન્યાયની માંગ
યુવકના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોએ ભારે આક્રોશ સાથે ન્યાયની માંગ કરી છે અને આરોપી ભૂમાફિયા અનિરુદ્ધસિંહ જખિયાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ખનીજ માફિયાઓના વધતા વર્ચસ્વ અને પોલીસની નિષ્ક્રિયતાને કારણે જ તેમના નિર્દોષ દીકરાએ જીવ ગુમાવવો પડ્યો છે.
પોલીસ તપાસ શરૂ
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે મૃતક યુવકના પરિવારજનોના નિવેદન અને વીડિયોના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


