Get The App

બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત 1 - image

Botad Accident: બોટાદના મિલિટરી રોડ પર રવિવારે (28મી ડિસેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે પરિવારના અન્ય 16થી વધુ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈને કોઈ સામાજિક પ્રસંગે કે કામ અર્થે બહારગામ જઈ રહ્યો હતો. પિકઅપ વાન જ્યારે મિલિટરી રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા વાન જોરદાર પલટી ખાઈ ગઈ હતી. વાન પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા. જેમાં 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા અને એક જ પરિવારના 16થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે નજીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો: અમરેલી: ધારી-ખાંભા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, જૂનાગઢના પરિવારની માસુમ બાળકીનું મોત

સ્થાનિકોની મદદ અને પોલીસ કાર્યવાહી

અકસ્માત થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.