જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક પાઠક ફળી વિસ્તારમાં રહેતાં એક રીક્ષા ચાલકે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અને પુત્રની બુલેટ ખરીદવાની માગણી સંતોષી નહીં શકતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચેશ્વરટાવર નજીક પાઠક ફળી માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નિલેશ બચુભાઈ સૂચક નામના 57 વર્ષના રીક્ષા ચાલકે ગઈકાલે પોતાના ઘેર માકદ મારવાની ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.
મૃતક રીક્ષા ચાલકના પુત્ર ધવલને બુલેટ ખરીદવું હતું, પરંતુ તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પુત્રને બુલેટ લેવા બાબતે ના પાડી હતી, અને પુત્ર સાથે અવારનવાર આ બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હતો. તેથી તેને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે મૃતકના પત્ની ખ્યાતિબેન નિલેશભાઈ સુચકે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


