જૂનાગઢમાં વરસાદની ધડબડાટીઃ ઘેડ પંથકમાં પૂરના કારણે 35 ગામ સંપર્ક વિહોણા, એક નું મોત
Junagadh Flood: જૂનાગઢમાં છેલ્લાં 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
નોંધનીય છે કે, છેલ્લાં 24 કલાકમાં મેંદરડામાં 12.5 ઈંચ, વંથલીમાં 9.8 ઈંચ અને કેશોદમાં 9.6 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે આલિધ્રા જેવા ગામોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જણાવી દઈએ કે, જૂનાગઢના ઘેડ વિસ્તારમાં દર વર્ષે પૂર આવે છે અને ભારે વરસાદના કારણે જાન-માલનું મોટું નુકસાન થાય છે. આ વર્ષે પણ ઘેડના પૂરના કારણે નદીના પાળા તૂટી પડ્યા છે, તેમજ અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. પાણીના પ્રવાહથી એક મકાન પણ તૂટી પડ્યું હતું. વરસાદી પાણીના કારણે 35 જેટલા ગામો સંપર્કવિહોણું બન્યું છે.
સાબડી ડેમ ઓવરફલો, 52 ગામો એલર્ટ પર
ભારે વરસાદના પગલે સાબડી ડેમમાં પાણીની આવક વધી જતાં તેના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા 52 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ
15 લોકોનું રેસ્ક્યૂ કરાયું
જૂનાગઢ મહા નગર પાલિકાની ફાયરની ટીમ દ્વારા દાત્રાણા ગામે પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું. લગભગ 15 જેટલા લોકોનું રેસક્યૂ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય લોકેને દામોદર કૂંડમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે.
વીજળી પડવાથી એકનું મોત
માણાવદર તાલુકામાં વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે કલેક્ટર દ્વારા લોકોને બિનજરૂરી અવર-જવર ટાળવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.