Get The App

સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ 1 - image


Surat Ganeshotsav : શ્રાવણ માસની શરુઆત સાથે જ ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. દશામા અને જન્માષ્ટમીની ઉજવણી બાદ સુરતીઓ ગણેશોત્સવ માટે થનગની રહ્યા છે. સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ગણેશ વિસર્જનના બદલે બાપ્પાના આગમન યાત્રા ઝાકમઝોળથી કાઢવામાં આવી રહી છે. તેની સાથે જ નાના મોટા ગણેશ આયોજકોએ ગણપતિ સ્થાપના માટે મંડપ બનાવવાની કામગીરી શરુ કરી દીધી છે. સુરતમાં હાલ વરસાદ હોવા છતાં ગણેશ આયોજકોનો ઉત્સાહમાં કોઈ ફેર પડ્યો નથી અને તેઓ ગણેશોત્સવ માટે તડામાર તૈયારી કરી રહ્યાં છે. 

છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. પહેલાની સરખામણીમાં સુરતમાં ગણેશોત્સવની ભવ્યતા વધી રહી છે. હાલ સુરતમાં નાના મોટા 80 હજારની આસપાસ ગણેશજીની સ્થાપના થાય છે તેના કારણે અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. હવામાન વિભાગે સુરતમાં વરસાદની આગાહી કરી છે પરંતુ ગણેશ ભક્તોના ઉત્સાહમાં કોઈ ફેર પડ્યો નથી અને વરસાદમાં પણ મંડપ બનાવવાની કામગીરી ચાલુ રાખી છે. 

આ ઉપરાંત અનેક ગણેશ આયોજકોએ અત્યારથી જ ગણેશ મંડપમાં થીમ બનાવવાના છે તેની કામગીરી પણ શરુ કરી દીધી છે. સુરતની હજારોની સંખ્યામાં રહેણાંક સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત અનેક મંડળો દ્વારા મોટા પંડાલમાં ગણેશજીની સ્થાપના માટે તૈયારી કરી દેવામાં આવી છે. 

સુરતના ઘણા મંડળો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન-કીર્તન તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થવા જઈ રહ્યું છે. સુરતીઓ માટે આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતાનું પ્રતિક બની ગયો રહ્યો છે. શહેરના ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેના કારણે ડેકોરેશનના બજારમાં તથા લાઈટીંગ બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં જે રીતે તૈયારી થઈ રહી છે તેના કારણે આગામી દિવસોમાં સુરત ગણેશમય બનવા થનગની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 


Tags :