રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સર જન્નત મીરે કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં કર્યો મોટો ઘટસ્ફોટ
Rajkot News : રાજકોટમાં વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના પહેલાં તેણે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા નામના વ્યક્તિના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મીડિયામાં જન્નત મીર તરીકે જાણિતી યુવતીનું નામ સમા ભાયાણી છે અને તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ત્રણ પાનાંની સુસાઇડ નોટમાં જન્નત મીરે જણાવ્યું હતું કે ઇમ્તિયાઝ તેને 'તોફાની રાધા' ની જેમ મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે જન્નત અને ઇમ્તિયાઝ વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આ ઘટના અંગે જન્નત મીરની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જન્નત મીરે લખેલી સુસાઇડ નોટ શબ્દસહ
તારા દીકરા જેવી તારી લાડકી દીકરી (સમા) જન્નત
તારા દીકરા જેવી તારી લાડકી દીકરી (સમા) જન્નત, સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું. મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. દુનિયામાં છોકરી માટે જીવવું અને રહેવું કામનું નથી. તમારી દીકરી દર એક એક સમયે લડી લડીને સાવ તૂટી ગઈ છે. મને આ પગલું ભરવા મજબૂર કરી નાખી છે. આટલા દિવસથી એકલી સહન કરતી હતી. તમને ટેન્શન આપવા માગતી ન હતી, પણ મને હવે માફ કરી દેજો, મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા.
મારી ભૂલના કારણે તમને ગાળો બોલી હતી. એના ખોટા પ્રેમમાં પડી હું તેના ઉપર ખોટો વિશ્વાસ કરી બેઠી અને છેલ્લા 2 મહિનાથી હું સહન કરતી હતી, પણ હવે સહન કરીને હું હારી ગઈ છું. મને એમ હતું કે આપણે કેસ કર્યો તો આપણને ન્યાય મળશે, પણ ના, એ લોકો ગુંડા છે એ મને અત્યારે ફોનમાં ધમકી આપી છે અને મને કીધું છે તું પેલીસ પાસે જા કે CP પાસે, મારું કોઈ શું કરી લેશે. ઓલીને મેં મારી નાખી છે એમ તને મારી નાખીશ, તારા છોકરાને મારી નાખીશ. એના હાથે મરવું એના કરતા હું મારા હાથે મરી જઉં.
હું મરી જાઉં તો મારા પ્રિન્સનું ધ્યાન રખજે મા અને મને માફ કરી દેજે. આટલી આટલી લડી હું, દુનિયામાં છોકરીને જીવવાનો હક નથી, આના જેવા હેવાનો છોકરીઓ ગોતે, જેનું કોઈ હોતું નથી અને પ્રેમમાં પાડી તેનો ઉપયોગ કરી તેની સાથે મારકૂટ કરી એની વસ્તુ લઇ પછી ભાઈગીરી કરે. અત્યારસુધી રોજ ચૂપ હતી કે પોલીસ આજે મને ન્યાય આપશે, પણ તેના જેવા માણસને ક્યારેય પોલીસ કહી કરશે જ નહિ.
મમ્મી મારા મર્યા પછી મને ન્યાય અપાવજે, જેથી આજે મારી સાથે જે કર્યું એ બીજા કોઈ સાથે ન કરે. આજે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી ધમકી આપી છે. હું શું કરું? મારા કારણે હું તને અને મારા દીકરાને હેરાન નહિ થવા દઉં. આજે હું જે કંઈ કરું એ ઈમ્તિયાઝ રાઉમા કારણે કરું છું. તે મને ધમકી આપે છે, મારા ઉપર જીવલેણ હુમલો પણ કરેલો છે અને મને મારી નાખશે એવી ધમકી આપી છે. મને કહી થશે તો જવાબદાર ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલો રહેશે.