Get The App

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા સ્થળ પર જઈ પંચનામું કરાયું

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા સ્થળ પર જઈ પંચનામું કરાયું 1 - image

Jamnagar Land Grabbing : જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને શહેર વિભાગના ડીવાયએસપીની હાજરીમાં સ્થળ પર પંચનામુ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી, અને આરોપીઓ સામે એક્શન લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

 જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે 8,586 ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત બે કરોડ 80 લાખ થવા જાય છે. જે કોઈ ખાનગી પેઢીની માલિકી ન હોવાનું જાણવા છતાં કેટલાક શખ્સોએ આ જમીનના ખોટા નકશા બનાવી લીધા હતા, અને તેમાં 66 પ્લોટ પાડી અને જમીનના ખોટા વેચાણ કરાર ઊભા કરી નાખ્યા હતા. જે અંગે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 જામનગરના જય સરદાર નોન-ટ્રેડીંગ કોર્પોરેશન નામથી જામનગર શહેરના સરકારી ખરાબાના સ.નં. 1125 તથા તેની આજુબાજુની નદીકાંઠાની વગર સર્વે નંબરની જમીન મળી કુલ 8581.50 ચો.મી. જમીનમાં રહેણાંક હેતુ માટે કુલ-66 પ્લોટ પાડી વેચાણ કરી નાખનારા જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો,

જે ગુનો નોંધાયા બાદ ગઈકાલથી જામનગરનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું, શહેર વિભાગના ડીવાયએસપીની આગેવાનીમાં ગઈકાલે ઉપરોક્ત જમીનના સ્થળે જઈને તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી સ્થાનિક વિસ્તારનું પંચનામું કર્યું હતું, ઉપરાંત ઉપરોક્ત તમામ છ આરોપીઓને નોટિસ પાઠવીને તેઓ સામે એક્શન લેવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સરકારી ખરાબાવાળી જગ્યામાં ગેરકાયદે મકાનો બની ગયા હતા, અને તે જગ્યાના કોઈ ખરા આધાર પુરાવા ન હોવાથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા થોડા સમય પહેલાં ડિમોલેશન હાથ ધરી લેવામાં આવ્યું હતું, અને હાલ ઉપરોક્ત સ્થળે માત્ર કાટમાળ પડેલો છે. રંગમતિ નદીના વહેણ વાળી આ જગ્યા હોવાથી તંત્ર દ્વારા ડીમોલેશન કરી લેવાયું હતું.