Get The App

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું 1 - image

Jamnagar Corporation : જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સમર્પણ સર્કલથી ગોકુલનગર સર્કલ વચ્ચે સૈનિક ભવન પાસે બનાવાઈ રહેલા રેલવે ઓવર બ્રિજનું કામ આશરે 40 ટકા પૂર્ણ થવા આવતા આ માર્ગ પર આવેલ રેલવે ફાટક નંબર–201ને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી દ્વારા જાહેર નોટિસ મારફતે જાહેરાત કરવામાં આવી છે કે તા. 9 એપ્રિલ 2026થી આ ફાટક સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ રહેશે. હવે આ માર્ગ માત્ર ઓવર બ્રિજના લોકાર્પણ બાદ જ ફરી શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનો નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ અગાઉથી જ આપવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. શહેરમાં અગાઉ હાપા માર્કેટિંગ યાર્ડ નજીક બે રેલવે ટ્રેક પર મોટો ઓવર બ્રિજ શરૂ થયા બાદ હવે આ બીજું મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હાલના તબક્કે કામ લગભગ 40 ટકા સુધી પહોંચી ગયું છે. ફાટક બંધ થવાને કારણે વિકલ્પરૂપે વાહન વ્યવહાર માટે નવા માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. નાના વાહનો માટે સમર્પણ સર્કલથી સત્યમ કોલોની અંડરબ્રિજ મારફતે એરફોર્સ ટુના ગેટ તરફ જવાનો માર્ગ સૂચવાયો છે. જ્યારે મોટા વાહનો માટે સમર્પણ સર્કલથી ખંભાળીયા બાયપાસ ચોકડી, સાંઢીયા પુલ થઈને વિજયનગર જકાતનાકા તરફ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત ખંભાળીયા બાયપાસ ચોકડીથી નાથેડી ગામના પાટિયા માર્ગે હિન્દુસ્તાન એનિમલ ફીડ નજીકના રેલવે ફાટક નંબર–202 થઈને વિજયનગરથી ગોકુલનગર સર્કલ સુધી પહોંચવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા આજથી અમલમાં મૂકવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.