જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ, સત્તાવાર જાહેરાત બાદ પદભાર સંભાળ્યો
Gujarat Jagdish Panchal : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે 4 ઓક્ટોબર શનિવારે સવારે જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ના નામની સત્તાવાર જાહેરાત પદગ્રહણ સમારોહ કમલમ્ ખાતે યોજાયો હતો. જગદીશ પંચાલ એક રેલી લઈને કમલમ્ પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કમલમ્ ખાતે સત્તાવાર જાહેરાત બાદ જગદીશ પંચાલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો.
આ પહેલાં નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 20 જુલાઈ 2020 થી 3 ઓક્ટોબર 2025 સુધી સી.આર. પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી.
જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો છે. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, કાલે સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ યોજાશે
એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ પ્રદેશ પ્રમુખ તરીકે ફાઈનલ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલની વરણી કરવામાં આવી હતી. શુક્રવારે કમલમમાં બપોરે વિજય મુહૂર્તમાં 10 ટેકેદારો સાથે જગદીશ પંચાલે ફોર્મ ભર્યું હતું. સર્વાનુમતે એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલનું પ્રદેશ પ્રમુખ પદ ફાઈનલ થયું હતું. શનિવારે કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.
જગદીશ પંચાલ કેમ ગુજરાત ભાજપના સુકાની
આ વખતે ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતા ને સોપ્યું છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઈ કમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે. મહત્વની વાત એ છે કે જુના જોગીઓ અને બદલે હાઈ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપના સુકાની બનાવ્યા છે.
આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે. જોકે, હાલ ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા એ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે.
કોણ છે જગદીશ પંચાલ?
જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની 2021ની ચૂંટણી જીતી હતી.