જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, કાલે સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ યોજાશે
Gujarat BJP president: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આવતીકાલે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
બીજી તરફ આવતીકાલે સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર પહોંચશે.
ભાજપમાં વધુ એક અમદાવાદના નેેેતાને મોટો હોદ્દો મળશે!
ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે.
જગદીશ પંચાલની જીતના કઈ વાતથી મળ્યા સંકેત?
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરુ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.
જગદીશ પંચાલનું મજબૂત પાસું કયું?
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે હવે ગુજરાતમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે. અને ભાજપ પણ ઓબીસી મતોને ટાર્ગેટ કરવા માગે છે એટલે ઓબીસી સમુદાય પર પ્રભુત્વ મેળવવા ભાજપ ઓબીસી નેતાને પ્રમુખ પદે તક આપવા માગે છે તેવું દેખાય છે. બીજી બાજુ કોંગ્રેસે પહેલાથી ઓબીસી નેતા અમિત ચાવડાને અધ્યક્ષ પદ સોંપ્યું છે.
જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની 2021ની ચૂંટણી જીત્યો હતો.
ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશના પ્રમુખો અને તેમના સમયગાળાની યાદી
• એ. કે. પટેલ: 1982થી 1985 (3 વર્ષ)
• શંકરસિંહ વાઘેલા: 1985થી 1993 ( 8 વરસ)
• કાશીરામ રાણા: 1993થી 1996 (3 વર્ષ)
• વજુભાઈ વાળા: 1996થી 1998 (2 વર્ષ)
• રાજેન્દ્રસિંહ રાણા: 1998થી 2005 (7 વર્ષ)
• વજુભાઈ વાળા: 29 મે 2005થી 26 ઑક્ટોબર 2006 (1 વર્ષ, 150 દિવસ)
• પુરુષોત્તમ રૂપાલા: 26 ઑક્ટોબર 2006થી 1 ફેબ્રુઆરી 2010 (3 વર્ષ, 98 દિવસ)
• આર. સી. ફળદુ: 1 ફેબ્રુઆરી 2010થી 19 ફેબ્રુઆરી 2016 (6 વર્ષ, 18 દિવસ)
• વિજય રૂપાણી: 19 ફેબ્રુઆરી 2016થી 10 ઑગસ્ટ 2016 (173 દિવસ)
• જીતુ વાઘાણી: 10 ઑગસ્ટ 2016થી 20 જુલાઈ 2020 (3 વર્ષ, 345 દિવસ)
• સી. આર. પાટીલ: 20 જુલાઈ 2020 થી