Get The App

ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર 1 - image
AI IMAGE

Ahmedabad News: વૈશ્વિક સ્તરે સર્જાયેલી અશાંતિ અને ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ઇઝરાયલ-ઈરાન વચ્ચેના વધતા તણાવની સીધી અને નકારાત્મક અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યંત વેગવંતો ગણાતો સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. કાચા માલની અછત, વધતી જતી કિંમતો અને ખોરવાયેલી સપ્લાય ચેઈનને કારણે આ ક્ષેત્રને અંદાજે 25,000 કરોડ રૂપિયા જેટલો તોતિંગ આર્થિક ફટકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

સપ્લાય ચેઈન ખોરવાતા ઉત્પાદન ઠપ

ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની સ્થિતિને કારણે ખાડી દેશોમાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. આ જ દેશો સોલાર પેનલ બનાવવા માટે જરૂરી એવા રો-મટિરિયલ અને મહત્વના સાધનો માટે મુખ્ય સ્ત્રોત છે. દરિયાઈ માર્ગે આવતી આ સામગ્રીની આવક ઘટતા અને શિપિંગ રૂટમાં અવરોધો આવતા ગુજરાતના સુરત અને અમદાવાદ જેવા પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્રોમાં સોલાર મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા ધીમી પડી છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રો-મટિરિયલના ભાવમાં ટૂંકા ગાળામાં જ 10 ટકા જેટલો વધારો ઝીંકાયો છે, જેના કારણે પ્રોજેક્ટ્સની પડતર કિંમત વધી ગઈ છે.

પીએમ કુસુમ યોજના પર લટકતી તલવાર

આ વૈશ્વિક સંકટની સૌથી મોટી અસર સરકારી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પર પડી છે. કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના હેઠળ પીપીપી (PPP) ધોરણે જે સોલાર પ્રોજેક્ટ્સ કાર્યરત હતા, તે અત્યારે સ્થગિત થઈ ગયા છે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ્સ મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા આ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવી અશક્ય બની રહી છે. પરિણામે, સોલાર કંપનીઓના સંચાલકો હવે સરકાર પાસે મુદત વધારાની અને વિશેષ રાહત પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી

કામદારોની અછત અને લોજિસ્ટિક્સના પડકારો

ઉદ્યોગને માત્ર બાહ્ય નહિ પરંતુ આંતરિક પડકારો પણ નડી રહ્યા છે. હોળી અને ઈદના તહેવારો બાદ પરપ્રાંતિય કામદારો હજુ મોટી સંખ્યામાં પરત ફર્યા નથી. બીજી તરફ, રાંધણગેસ અને એલપીજીના વધતા સંકટને લીધે પણ પરપ્રાંતિય મજૂરો ગુજરાત આવતા ખચકાઈ રહ્યા છે. આમ, એક તરફ કાચો માલ મળતો નથી અને બીજી તરફ મજૂરોની પણ અછત વર્તાઈ રહી છે.

સોલાર ઉદ્યોગની સ્થિતિ હજી કફોડી થશે

નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિ કાબૂમાં નહીં આવે તો સોલાર ઉદ્યોગની હાલત વધુ કફોડી થશે. અત્યારે આ ઉદ્યોગ 'મરવાના વાંકે' જીવી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે સમગ્ર સેક્ટરની નજર સરકાર દ્વારા આપવામાં આવતી તાત્કાલિક નીતિગત રાહતો પર ટકી છે.