Get The App

આ કેવું વાઇબ્રન્ટ ગુજરાત? 1 કરોડ ગરીબો મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર !

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
આ કેવું વાઇબ્રન્ટ ગુજરાત? 1 કરોડ ગરીબો મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર ! 1 - image



Gujarat MGNREGA: વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની અનેક તકો રહેલી છે તેવું ચિત્ર ઊભું કરાયું છે. હકીકતમાં, બેરોજગારીની સમસ્યાએ ફેણ માંડી છે. હજારો શિક્ષિત યુવાઓ રોજગારી-નોકરી માટે ફાંફા મારી રહ્યા છે . પછાત-આદિવાસી વિસ્તારોમાં તો રોજગારી મળે તેવી શક્યતા નહિવત્ છે. આ કારણોસર મનરેગા જેવી યોજનામાં મજૂરી કરીને ગરીબ મજૂરો પેટિયું રળે છે, જેને સરકાર સિદ્ધિ ગણાવે છે. છ કરોડની વસ્તી ધરાવતા સમૃદ્ધ ગુજરાતમાં એક કરોડ ગરીબ મજૂરો તો મનરેગા હેઠળ મજૂરી કરી રહ્યા છે. આ પરથી વાઇબ્રન્ટ ગુજરાતની દારુણ સ્થિતિનો અંદાજ આવી શકે તેમ છે. 

આ પણ વાંચોઃ સમૃદ્ધ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 56,000નું દેવું, ડબલ આવકના સરકારી વાયદા ખોટા ઠર્યા

ઓછા વેતન પર કામ કરવા મજબૂર બન્યા શ્રમિકો

ગુજરાતમાં લોકોની સુખાકારી વધી છે. ગરીબી દૂર થઈ છે. લોકોની માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. યુવાઓ માટે ગુજરાતમાં રોજગારની વિપુલ તકો રહેલી છે. આવી સુફિયાણી વાતો કરવામાં ગુજરાત સરકારના સત્તાધીશોએ જરાય કસર નથી છોડી. કડવી વાસ્તવિકતા એ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારનો ભારોભાર અભાવ જોવા મળી રહ્યો છે, જેથી બેરોજગારોએ શહેરો તરફ દોટ માંડી છે. પછાત-આદિવાસી વિસ્તારોમાં તો ગરીબો માટે સરકારી યોજનામાં ઓછું વેતન મેળવીને પણ કામ કરવા સિવાય કોઈ છૂટકો નથી. કારમી મોંઘવારીમાં કુટુંબ નિર્વાહ માટે મનરેગામાં કામ મેળવી હજારો લાખો ગરીબ મજૂરો રોજ 350 જેટલું વેતન મેળવી પેટિયું રળવા મજબૂર બન્યા છે.

એક કરોડ ગરીબ શ્રમિક મનરેગામાં કરે છે કામ

બીજી બાજુ, લાખો ગરીબો મજૂરી કરવા લાચાર છે ત્યારે સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. સરકારી યોજના થકી રોજગાર આપીએ છીએ તેમ કહી સરકાર સિદ્ધી ગણાવી રહી છે. હકીકતમાં એક કરોડ ગરીબો મનરેગામાં કામ કરે છે ત્યારે ગરીબી ઓછી થઈ છે તેવા ઊભા કરાયેલા ચિત્રની હકીકત ખુલ્લી પડી છે.  

આ પણ વાંચોઃ ફરી પ્રદૂષિત થશે સાબરમતી : CETP પ્લાન્ટ શરૂ કરવા જાહેરાત, AMC ઊંઘતું ઝડપાયું

4 કરોડ રૂપિયા શ્રમિકોને ચૂકવવાના બાકી

મહત્ત્વની વાત તો એ છે કે, મળતિયા કોન્ટ્રાક્ટરોના બિલો બાકી હોય તો ફટાફટ પાસ કરીને લાખો કરોડો ચૂકવી દેવાય છે પણ ગરીબ મજૂરોનું વેતન ચૂકવવામાં સરકારને રસ નથી. એ વાતનો ખુલાસો થયો છે કે, મનરેગા યોજનામાં મજૂરોના વેતન પેટે 4 કરોડ ચૂકવવાના બાકી છે. મનરેગા યોજનામાં 98 લાખથી વધુ મજૂરો અધિકૃત રીત નોંધાયેલા છે. જોકે, ગુજરાતમાં તો મનરેગામાં મજૂરોના વેતનને બદલે મળતિયા કોન્ટ્રાક્ટરને લાભ આપવા મટિરિયલ્સ પાછળ વધુ ખર્ચ કરાયો છે.

Tags :