Get The App

ફરી પ્રદૂષિત થશે સાબરમતી : CETP પ્લાન્ટ શરૂ કરવા જાહેરાત, AMC ઊંઘતું ઝડપાયું

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
ફરી પ્રદૂષિત થશે સાબરમતી : CETP પ્લાન્ટ  શરૂ કરવા જાહેરાત, AMC ઊંઘતું ઝડપાયું 1 - image


Ahmedabad Sabarmati River News : બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા 30 લાખ લીટર પર ડે ક્ષમતા ધરાવતા કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટને શરુ કરવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. આ પ્લાન્ટ દોઢ વર્ષથી બંધ છે. દરમિયાન ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસિએશન તરફથી તેમના સભ્યોને 1 ઓગસ્ટ 2025થી સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરુ કરાયો હોવાની જાણ કરવામાં આવી છે.

આ ઉપરાંત એસોશિએશનના તમામ સભ્યોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી એફલ્યુઅન્ટ વાલ્વ ખોલવા સુચના આપવામા આવી છે. એસોશિએશનના પ્રમુખના કહેવા મુજબ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી અમને મંજુરી અપાયા પછી તમામ સભ્યોને લેખિત જાણ કરાઈ છે.જયારે કોર્પોરેશન તરફથી પ્લાન્ટ શરુ કરવા મંજુરી અપાઈ નહીં હોવાનુ કહેવાયુ છે.આ પરિસ્થિતિમાં સાબરમતી નદી ફરી પ્રદૂષિત થશે તો જવાબદારી કોની.જી.પી.સી.બી.ની કે કોર્પોરેશનની?

રુપિયા 112 કરોડના ખર્ચથી કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્ષ-2022માં શરુ કરાયો હતો.અમદાવાદના બહેરામપુરા,દાણીલીમડા વોર્ડ ઉપરાંત સિકંદર માર્કેટ, સુએઝ ફાર્મ સહીતના અન્ય વિસ્તારોમાં ધમધમતા 724 જેટલા હેન્ડ સ્ક્રીન એકમો દ્વારા ટ્રીટ કર્યા વગર  સાબરમતી નદીમાં છોડવામા આવતા પ્રદૂષિત પાણીની સમસ્યાનો અંત લાવવા બહેરામપુરા વોર્ડમાં 30 લાખ લિટર પરડે ક્ષમતા ધરાવતો કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટ વર્ષ-2022માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા પછી શરુ કરાયો હતો.

આ પ્લાન્ટ શરુ કરાયા પછી છ મહીનામા જ વિવિધ એકમો દ્વારા વધુ પ્રમાણમાં તેમનુ એફલ્યુઅન્ટ છોડતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરાતા  પ્લાન્ટને બંધ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કલોઝર નોટિસ આપવામા 700 થી વધુ એકમને તાળા વાગી ગયા હતા.દરમિયાન ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ યાસીન જાવરાવાલાની સહી સાથેનો એક પત્ર સોશિયલ મિડીયામા વાઈરલ થયો છે. આ પત્રમાં સભ્યો ઉપરાંત બાકીના મેમ્બરોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી દેવા વિનંતી કરાઈ છે.જેથી ફેઝમાં ચાલુ કરવામા સમય ના બગડે.સભ્યોને તેમની બાકી રહેતી રકમ એસોસીએશનમાં  જમા કરાવીને સર્ટિફિકેટ લેવા તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં એન.ઓ.સી.લેવાની કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યુ છે.

જી.પી.સી.બી.દ્વારા ટ્રાયલ રન માટે મંજુરી અપાઈ છે: દિલીપ બગરીયા

બહેરામપુરા ખાતે આવેલી સી.ઈ.ટી.પી.પ્લાન્ટને ફરી શરુ કરવા અંગે કોર્પોરેશનની પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાને પુછતા તેમણે સ્વીકાર્યુ હતુ કે,જી.પી.સી.બી.માં તપાસ કરતા તેમના ટ્રાયલ રન માટે મંજુરી અપાઈ છે.

વિજય પટેલે ફેરવી તોળતાં કહ્યું, જી.પી.સી.બી.એ મંજુરી આપી

મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર રીસોર્સ વિભાગના અધિકારી વિજય પટેલને સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરૂ કરવા અંગે પુછતા તેમણે કહયુ, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્લાન્ટ શરુ કરવા કોઈ સત્તાવાર મંજુરી અપાઈ નથી.તેવુ બપોરે કહયા પછી સાંજે ફેરવી તોળી કહયુ,જી.પી.સી.બી.એ ટ્રાયલ રન માટે મંજુરી આપી છે.

એસોશિએશન તરફથી 11 કરોડ જમા કરાવાયા છે : યાસીન જાવરાવાલા

ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ યાસીન જાવરાવાલાએ એક વાતચીતમા કહયુ, એસોશિએસન તરફથી કોર્પોરેશનમાં રુપિયા 11 કરોડ જમા કરાવાયા છે.

Tags :