સમૃદ્ધ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 56,000નું દેવું, ડબલ આવકના સરકારી વાયદા ખોટા ઠર્યા
Gujarat Farmers Debt: ખેડૂતોની આવક બમણી થશે તેવા વચન-વાયદા કરવામાં આવ્યા હતાં તે હવે ખોટા સાબિત થયા છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે, જેના કારણે તેઓ દેવું કરવા મજબૂર બન્યાં છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે રૂ. 56,568નું દેવું છે.
ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો
ખેતી કરવી હવે મોંઘી બની રહી છે. કેમકે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવ વધ્યાં છે. તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય, વાવાઝોડુ આવે તો પાકને નુકસાન થાય. ખેડૂતોની માંગ છતાંય હજુય પાક ઉત્પાદનના પુરતા ભાવ મળતાં નથી. આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો કરી રહ્યાં છે.
ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે રૂ. 56,000નું દેવું છે
દરમિયાન, ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢેરો પીટ્યો હતો કે, ખેડૂતોની આવક બમણી થઈ જશે. આવક તો બમણી થઈ નહી બલ્કે આર્થિક નુકસાન ન પોષાતાં ઘણાં ખેડૂતો હવે ખેતી છોડી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યાં છે. ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે રૂ. 56,000નું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેન્ક લોન લીધી છે. એટલુ જ નહીં. રૂ. 14 હજાર કરોડનું દેવું કર્યું છે.
આ પણ વાંચો: ફરી પ્રદૂષિત થશે સાબરમતી : CETP પ્લાન્ટ શરૂ કરવા જાહેરાત, AMC ઊંઘતું ઝડપાયું
ખેડૂતો દેવાદાર બની રહ્યાં છે ત્યારે સરકારની દલીલ છે કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે ઘણી કૃષિલક્ષી યોજના અમલમાં છે જેમકે, નેશનલ મિશન ઓફ એડિબલ ઓઇલ, એગ્રો ફોરેસ્ટ્રી, સોઇલ હેલ્થ એન્ડ ફર્ટિલિટી, નેશનલ બામ્બુ મિશન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી મનધન યોજના, પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષક અભિયાન, ડિજિડલ એગ્રિકલ્ચર મિશન, મોર ડ્રોપ-મોર ક્રોપ, પરંપરાગત કૃષિ વિકાસ યોજના. 25થી વધુ કૃષિલક્ષી યોજનાઓ હોવા છતાંય ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયાં છે.