Get The App

અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા 1 - image

IPL 2026 Betting Racket Memnagar Ahmedabad: IPL 2026ની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવેલા મેમનગર લેક પાસેના એક એપાર્ટમેન્ટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટાના રેકેટને ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે(3 એપ્રિલ) મોડી રાત્રે ઝડપી પાડ્યું છે. પોલીસે આ દરોડામાં 6 શખસોની ધરપકડ કરી છે, જેઓ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ દ્વારા લાખોનો જુગાર રમાડતા હતા.

ગુપ્ત બાતમીના આધારે મધરાતે દરોડો

ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મેમનગર તળાવ સામે આવેલા 'આનંદ પાર્ક એપાર્ટમેન્ટ'ના એક ફ્લેટમાં IPLની મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે 3 એપ્રિલની રાત્રે 11:15 વાગ્યે પોલીસે વોરંટ સાથે દરોડો પાડ્યો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી લાઈવ મેચ પર આરોપીઓ હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.

6 શખસોની ધરપકડ

- કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર (ઉં.વ.24, રહે. ચાંદલોડિયા)

- અભય પ્રવીણભાઈ ઠક્કર (ઉં.વ.30, રહે. મેમનગર)

- યશકુમાર મહેશકુમાર અખાણી (ઉં.વ.30, રહે. મેમનગર)

- મીત પ્રકાશભાઈ જયસ્વાલ (ઉં.વ.25)

- કલ્પેશભાઈ ટેકચંદભાઈ ઠક્કર (ઉં.વ.35)

- ધ્રુવ દિલીપભાઈ ઠક્કર (ઉં.વ.27)

આ તમામ આરોપીઓ ખાનગી નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની હોવાનું ખૂલ્યું છે.

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સટ્ટો

આરોપીઓ 'pdm999', 'dollar365' અને 'allpanelexch9' જેવી વિદેશી વેબસાઇટ્સ અને એપ્લિકેશન પર મલ્ટિપલ યુઝર આઈડી(ID) બનાવીને ભાવ-તાલ (Odds) જોઈ સટ્ટો લગાવતા હતા. પોલીસને તપાસમાં આ બેટિંગ એકાઉન્ટ્સમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે, જે સતત ચાલતી જુગારની પ્રવૃત્તિ સૂચવે છે.

મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

16 મોબાઈલ ફોન (કિંમત રૂ.2.10 લાખ)

50,110 રોકડ રકમ

અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો મળી કુલ રૂ.3.10 લાખનો મુદ્દામાલ.

આ પણ વાંચો: અમદાવાદ: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી, ફિનલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવ્યા

મુખ્ય સુત્રધારોની શોધખોળ જારી

પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અભય ઠક્કર અને યશકુમાર અખાણીએ ભાડે રાખેલા આ ફ્લેટમાં તેઓ IPL પર સટ્ટો રમવા ભેગા થયા હતા. આ નેટવર્ક પાછળ સાયન્સ સિટીના કિશન ઠક્કર, પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કર નામના મોટા માથાઓની સંડોવણી પણ ખૂલી છે, જેઓ બેટિંગ આઈડી સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા અને સટ્ટાના આ મસમોટા નેટવર્કને તોડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.