Gujarat

મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર

By GS TEAM
13 Nov 20251 min read
મ્યુનિ. કોર્પો.ના  પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર

 અમદાવાદ,બુધવાર,12 નવેમ્બર,2025

અમદાવાદમા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ રીઝર્વ પ્લોટમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવા મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથેની બેઠકમાં સુચના આપી હતી. અર્બન ડેવલપમેન્ટના પ્રોજેકટ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગત માંગી હતી તે સમયે ડેપ્યુટી કમિશનર વચ્ચે બોલતા કમિશનર બંછાનિધી પાની અકળાયા હતા.તેમણે કહયુ, પહેલા સાંભળો પછી બોલો.કમિશનરે અર્બન ડેવલપમેન્ટ પ્રોજેકટમાં પ્રોગ્રેસ કેમ નથી એ અંગે વિગત માંગી હતી.

બુધવારે  મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટને વિવિધ રોડ ઉપરના દબાણ તથા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા તાકીદ કરી હતી. કોર્પોરેશનના પરંતુ ભાડે આપવામા આવેલા પ્લોટ સિવાયના અન્ય તમામ પ્લોટમાં કયાં દબાણ થયેલા છે કે કયાં ગેરકાયદેસર બાંધકામ તેના ઉપર નજર રાખી શકાય એ માટે સી.સી.ટી.વી.કેમેરા લગાવવા તેમણે કહયુ હતુ.કોર્પોરેશનના જ કામ માટે કોર્પોરેશનનો પ્લોટ નહીં અપાતો હોવાનુ કમિશનરના ધ્યાનમા આવતા તેમણે એસ્ટેટ ઓફિસરને તાકીદ કરતા કહયુ, કોર્પોરેશનના કામ માટે પ્લોટ ફાળવવામાં વાંધા કાઢવા ના જોઈએ.પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર પાસેથી કમિશનરે બી.યુ.સંબંધિત વિગત માંગતા તેઓ આપી શકયા નહતા.જે બાબતે પણ બંને ઝોનના અધિકારીઓને તેમણે ઠપકો આપવો પડયો હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.