ઈન્સ્ટાગ્રામ પર ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમનો જોઇને લલચાઇ ન જતા, રાજુલા પોલીસે સાયબર ફ્રોડ ગેંગનો કર્યો પર્દાફાશ
Cyber Crime: દેશભરમાં સાયબર ક્રાઇમ એક ગંભીર વિષય બનતો જઈ રહ્યો છે. ગુનેગારો કેવી-કેવી રીતે સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવી શકે, તે કોઈ વિચારી પણ નથી શકતું. આવો જ એક કિસ્સો અમરેલીના રાજુલામાંથી સામે આવ્યો છે. જ્યાં રાજસ્થાનથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ નકલી ફેશન આઇડી બનાવીને ત્યાં કપડા વેચતા અને જ્યારે ગ્રાહકો ઇનસ્ટા આઇડી પરથી કપડા મંગાવે તો વિવિધ પ્રકારે તેમની પાસે પૈસા પડાવતા હતા.
આ પણ વાંચોઃ છત્રાલમાં રિક્ષાચાલકનો 3 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાજુલા પોલીસે એક વર્ષ જૂની ફરિયાદના આધારે ચાલી રહેલી તપાસમાં ફેક ફેશન એકાઉન્ટથી લોકોને છેતરતી ગેંગને ઝડપી પાડી છે. આ આરોપીઓ નકલી ફેશન એકાઉન્ટથી ચણિયાચોળીની વેચાણની જાહેરાત કરતા. આ જાહેરાતોમાં લોકોને આકર્ષવા માટે વિવિધ ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમ પણ મૂકવામાં આવતી હતી. ફરિયાદીએ જ્યારે આ આઇડી પરથી કપડાનો ઓર્ડર કર્યો તો તબક્કાવાર તેની પાસેથી કપડાના પૈસા પડાવી લેવામાં આવ્યા પરંતુ, પછીથી તેને કપડાની ડિલિવરી મળી નહીં. ત્યારબાદ તેને જાણ થઈ કે, તે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે અને બાદમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી.
ઈન્સ્ટાગ્રામની મદદથી કરી છેતરપિંડી
ફરિયાદના આધારે રાજુલા પોલીસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સના નકલી ડેટાની મદદથી રાજસ્થાનમાં રહેતા સની સેન અને રવિન્દ્ર સિંહ નામના બે આરોપીની ધરપકડ કરી. બંને આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. જોકે, આ વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરતા હરિયાણામાંથી પ્રીતમ બેરવા, રાજસ્થાનના મોનુ સાખલા અને કેટલીક ગેમિંગ વેબાસાઇટ ધારકોના પણ નામ સામે આવ્યા છે. આ તમામ આરોપીઓ વિવિધ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરીને પૈસા જમા કરાવતા અને અલગ-અલગ સીમ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છૂપાવતા હતા.
પોલીસ તપાસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 27 જેટલા લોકો સાથે આ પ્રકારના નકલી ફેશન પેજથી છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ જુલા-જુદા લોકો પાસેથી સાત લાખ રૂપિયાથી વધુ રકમ પડાવી હોવાની કબૂલાત કરી છે. હાલ, પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી છે. રિમાન્ડ મળ્યા બાદ તપાસ દરમિયાન અન્ય મોટા ખુલાસા થઈ શકે છે.