'મારી ડેડબોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો', 28 લાખનું દેવું થતાં અમરેલીની યુવતીનો આપઘાત
Amreli : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની એક 25 વર્ષીય યુવતીએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ પોતાના માતા-પિતાને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે 28 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાને પગલે ખાંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક મળતે માહિતી મુજબ ખાંભાના ભાડ ગામની ભૂમિકા હરેશભાઈ સોરઠીયા અમરેલી- ખાંભાની ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દેવાના બોજ તળે આવી જતાં તેણે આ ગુરૂવારે તેણે ઓફિસમાં અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં તેને ખાંભાની હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, ત્યારબાદ તેને રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
યુવતીએ આત્મહત્યા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં પોતાની વેદના સ્પષ્ટપણે વર્ણવી છે. નોટમાં લખ્યું છે કે:
જય શ્રી ક્રિષ્ના
મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું મને તમારાથી કોઇ વાંધો નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થયું છે. એટલે આત્મહત્યા કરું છું. મારાથી આ દેવું સહન થતું નથી એટલે આ આ પગલું ભરું છું હું બસ તમારા માટે એક સારી જીંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધુ ઉંધુ થયું. મારા ઉપર દેવું થઇ ગયું. આ દેવું Shine.Com કંપનીમાંથી થયું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઇ લેજો. મારા મર્યા પછી IIFL માંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે. એની પ્રોસેસ કરીને લઇ લેજો. મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો. મમ્મી મારી છેલ્લી ઇચ્છા છે કે, મારી ડેડબોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઇચ્છા છે કે પુરી દેજોને.
માફી સાથે
તમારી ભૂમિ