Get The App

છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત 1 - image


Acid Attack in Chhatral : કલોલના છત્રાલમાં એક સાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જેની ઓળખ અશોક રાવત તરીકે થઈ છે.  પ્રાથમિક માહિતી પ્રમાણે, અશોક રાવત નામનો એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા છે, જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.     

પ્રાથમિક માહિતી પ્રમાણે, કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે 18મી જુલાઇ, શુક્રવારની સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી. આટલી વાતમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. બાદમાં તેને જરુરી સુચનાઓ અને ઠપકો આપી જવા દેવામાં આવ્યો હતો. 

આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડીવાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. 

આ ઘટનાથી ચારેય મહિલા હોમગાર્ડ પણ હેબતાઈ ગઈ હતી. આ હુમલામાં ભાવનાબહેન નામના મહિલા હોમગાર્ડ મોંંઢા સહિત શરીર પર ઘણાં ભાગે દાઝી ગયા છે, જેમની હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને રિક્ષાચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

Tags :