IndiGo Airlines: છેલ્લા આઠ દિવસથી ઈન્ડિગો એરલાઈન્સમાં જોવા મળી રહેલું સંકટ આખરે થાળે પડતું દેખાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી શુક્રવારે (12મી ડિસેમ્બર) ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો આખરે રોકાઈ ગયો છે, અને દિવસ દરમિયાન એક પણ ફ્લાઈટ રદ થઈ નથી. આનાથી છેલ્લા એક અઠવાડિયાથી હાલાકી વેઠી રહેલા હજારો મુસાફરોને મોટી રાહત મળી છે.
પોણા ચારસો ફ્લાઈટ રદ થયા બાદ સ્થિતિ નિયંત્રણમાં
દેશભરમાં ઈન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઈટો ધડાધડ કેન્સલ થવા માંડ્યા બાદ વિમાની સેવા રીતસરની ખોરવાઈ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી પણ આઠ દિવસના ગાળામાં પોણા ચારસો જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ હોવાનો અંદાજ છે. ગુરુવારે (11મી ડિસેમ્બર) પણ 29 ફ્લાઈટ રદ થતાં મુસાફરોને હાડમારી વેઠવી પડશે તેવી ભીતિ હતી.
આ પણ વાંચો: સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી
જોકે, શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક પણ ફ્લાઈટ કેન્સલ ન થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, જે સંકટ સમાપ્ત થવાનો સંકેત આપે છે. જુદા જુદા શહેરોમાંથી આવતી 41 ફ્લાઈટ અને અમદાવાદથી ઉપડતી 47 ફ્લાઈટ મળીને કુલ 88 ફ્લાઈટનું સફળ સંચાલન અમદાવાદ એરપોર્ટ પરથી થયું છે.
એરલાઈન કંપની દ્વારા પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની અછત સહિતના વિવિધ કારણોસર ફ્લાઈટો રદ કરવામાં આવી રહી હતી. હવે સ્થિતિ સામાન્ય થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.


