ગુજરાતમાં દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ! ગાંધીનગરની મહિલા ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ પડાવ્યા
Indias Biggest Cyber Scam: ગાંધીનગર શહેરમાં ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ કેસ સામે આવ્યો છે, જેમાં સાયબર ઠગોની એક ગેંગે એક મહિલા ડૉક્ટરને ત્રણ મહિના સુધી માનસિક દબાણમાં રાખી રૂપિયા 19.24 કરોડની જંગી રકમ પડાવી લીધી છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં લોકોમાં ભારે આશ્ચર્ય અને ચિંતા વ્યાપી છે, ખાસ કરીને રાજ્યમાં સાયબર ફ્રોડ અવેરનેસ અભિયાન ચાલી રહ્યું હોવા છતાં આટલી મોટી રકમની છેતરપિંડી થઈ છે.
કેવી રીતે મહિલા ડૉક્ટર ફસાઈ ડિજિટલ અરેસ્ટમાં?
15મી માર્ચ, 2025થી સતત ત્રણ મહિના સુધી સાયબર ઠગોએ મહિલા ડૉક્ટરને ફોન કરીને ધમકાવવાનું શરૂ કર્યું. તેમને કહેવામાં આવ્યું કે તેમના મોબાઈલથી અપમાનજનક મેસેજ ફેલાવવામાં આવ્યા છે અને તેમની સામે FEMA અને PMLA હેઠળ કાયદેસર કાર્યવાહી થવાની છે. ઠગોએ મહિલાને 'ડિજિટલ રીતે અરેસ્ટ' કરવામાં આવી હોવાની ખાતરી આપી અને તેમને એવો ભય બતાવ્યો કે તેમના ઘરની આસપાસ પોલીસ નજર રાખી રહી છે.
આ ભયને કારણે મહિલા સતત વીડિયો કૉલ પર હાજરી પુરાવતા રહ્યા અને પોતાના લોકેશન અપડેટ કરતા રહ્યા. આ કપરા સમયમાં ઠગોની માગ પૂરી કરવા માટે તેમણે પોતાનું સોનું, એફ.ડી., શેર અને રોકડ વેચીને તથા લોન લઈને રૂપિયા 19.24 કરોડની રકમ અલગ અલગ 35 બૅંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી. ઠગોએ મહિલા પાસેથી તેમની દરેક નાણાકીય અને વ્યક્તિગત વિગતો પણ મેળવી લીધી હતી અને મહિલા સતત આ ડિજિટલ અરેસ્ટમાં જ રહેતા હતા.
CID ક્રાઇમની તપાસ અને કંબોડિયા કનેક્શન
આ ગંભીર કેસની તપાસ માટે CID ક્રાઇમની ચાર ટીમો કાર્યરત છે. ગાંધીનગર CID ક્રાઇમ સાયબર સેલના ડીઆઈજીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં લાલજી બલદાણીયાનો સમાવેશ થાય છે, જેના ખાતામાં એક કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. પોલીસે 30થી વધુ બૅંક એકાઉન્ટ ટ્રેક કર્યા છે અને રાજ્યમાં પણ આ ગેંગના અન્ય બૅંક એકાઉન્ટ હોવાના સંકેત મળ્યા છે.
ડીઆઇજી પી માંડલીકે ખુલાસો કર્યો કે આ કેસમાં છેતરપિંડીનું મુખ્ય સેન્ટર કંબોડિયાથી ચલાવવામાં આવતું હતું અને તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ભોગ બનનાર મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે અને શક્ય બને તેટલા વધુમાં વધુ પૈસા પરત અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
"ડિજિટલ અરેસ્ટ" નામની કોઈ વસ્તુ હોતી નથી: ડીઆઇજીપી
ડીઆઇજી પી માંડલીકે લોકોને આવા ફ્રોડથી બચવા માટે મહત્ત્વનો સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે "ડિજિટલ અરેસ્ટ" નામની કોઈ વસ્તુ હોતી નથી. જો કોઈપણ વ્યક્તિને આવા ફોન કે ધમકીભર્યા વીડિયો કોલ આવે તો તેમણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવવી. આ ઘટના સાયબર ગુનાખોરીના વધતા વ્યાપ અને તેનાથી થતી ગંભીર આર્થિક તથા માનસિક અસરનું એક ચોંકાવનારું ઉદાહરણ પૂરું પાડે છે.