પંચમહાલમાંથી ઝડપાયો ટાયર ચોર ગેંગનો સાગરીત, અમદાવાદના અસલાલીમાંથી ચોર્યા હતા રૂ.16 લાખના ટાયર
Panchmahal News : પંચમહાલ જિલ્લા SOG પોલીસે અમદાવાદના અસલાલી પોલીસ મથકમાં નોંધાયેલા ટાયરોની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલવામાં સફળતા મેળવી છે. સમગ્ર મામલે SOGની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી લાખો રૂપિયાના ચોરાયેલા ટાયરો અને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રૂ.16.39 લાખના ટાયરની ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 23 જુલાઈ, 2025ના રોજ અમદાવાદના અસલાલી ખાતે આવેલા અંબિકા ટ્રેડર્સના ગોડાઉનમાંથી અલગ-અલગ કંપનીના રૂ.16.39 લાખની કિંમતના 68 નવા ટાયરોની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પંચમહાલ SOG પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
ટાયર ચોર આરોપી ઝડપાયો
SOG પોલીસે ગોધરાના સુફિયાન મહેબુબ કઠડી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલા 68 નવા ટાયરો, એક આઇસર ગાડી અને એક મોબાઇલ મળી કુલ રૂ.21.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપી સુફિયાનની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, 57 ટાયરો તેને સલમાન અબ્દુલ રઉફ સબુરીયાએ આઇસર ગાડીમાં ભરાવ્યા હતા, અને બાકીના 11 ટાયર ગોધરાના સીમલા વિસ્તારમાં મુક્યાં હતા. SOG પોલીસે આ બંને સ્થળોએથી 68 ટાયરો જપ્ત કરીને ચોરીનો સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો: પંચમહાલની પંચામૃત ડેરીનો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય, દાણના ભાવમાં રૂ. 2નો ઘટાડો કર્યો
ચોરીની ઘટનામાં અન્ય બે અજાણ્યા ઇસમો પણ સંડોવાયેલા હોવાનું છે. પંચમહાલ SOG પોલીસે ચોરીના ટાયર સાથે ઝડપાયેલા આરોપી સુફિયાન મહેબૂબ કથડીની અટકાયત કરી અમદાવાદની અસલાલી પોલીસને વધુ કાર્યવાહી માટે જાણ કરી છે.