સીમાંકનનું ગણિત: સરકારની 50% ફોર્મ્યુલાથી ગુજરાતને 1 ને બદલે મળશે 13 બેઠકો, મહિલા અનામતના નામે રાજકીય લાભ ખાંટવાનો પ્રયાસ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Delimitation 2026 50 Percent Formula: દેશના રાજકીય નકશામાં આઝાદી પછીનો સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો માત્ર વસ્તીના આધારે લોકસભા બેઠકોની ફાળવણી થઈ હોત, તો વસ્તી નિયંત્રણમાં આગળ રહેલા ગુજરાતને માત્ર 1 વધારાની બેઠકથી સંતોષ માનવો પડત. પરંતુ કેન્દ્ર સરકારની નવી '50% વધારાની ફોર્મ્યુલા' ગુજરાતના રાજકારણમાં મોટો બદલાવ લઈને આવી રહી છે, જેનાથી રાજ્યની લોકસભા બેઠકો 26 થી વધીને સીધી 39 થઈ જશે.
રાજકીય પંડિતોના અનુમાન મુજબ કેન્દ્ર સરકારનો આ દાવ ગુજરાતના રાજકારણમાં ભાજપને સીધો ફાયદો અપવાશે તેવા તારણો છે. લોકમુખે એવી પણ ચર્ચા છે કે સરકાર મહિલા અનામતને નામે બેઠકો વધારી રાજકીય સોગઠાંબાજી કરી છે. આગામી 30 નવેમ્બરે સંસદના વિશેષ સત્રમાં રજૂ થનારા સીમાંકન અને મહિલા અનામત બિલથી ગુજરાત સહિત સમગ્ર દેશનું રાજકીય ગણિત કેવી રીતે બદલાશે, તે સરળ શબ્દોમાં સમજીએ.
ગુજરાત માટે 50% ફોર્મ્યુલા કેમ ગેમ-ચેન્જર છે?
સીમાંકન (Delimitation) અંગે પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ (PRS Legislative Research) દ્વારા 2011 ની વસ્તી ગણતરીના આધારે બે અલગ-અલગ અંદાજ રજૂ કરવામાં આવ્યા હતા, જે ગુજરાત માટે તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે.
- વસ્તી આધારિત સ્થિર બેઠકોનું મોડેલ: જો લોકસભાની કુલ બેઠકોની સંખ્યા વર્તમાન સ્તરે (543) જ સ્થિર રાખીને વસ્તીના પ્રમાણમાં બેઠકો વહેંચવામાં આવે, તો ગુજરાતની બેઠકો 26 થી વધીને માત્ર 27 થાય, એટલે કે ફક્ત 1 બેઠકનો વધારો થાય.
- વસ્તી આધારિત 813 બેઠકોનું મોડેલ: PRSના બીજા મોડેલમાં લોકસભાની કુલ બેઠકોમાં 50% નો વધારો કરીને 813 બેઠકોના આધારે વસ્તી મુજબ વહેંચણી ગણવામાં આવી હતી. આ ગણતરી મુજબ ગુજરાતની વર્તમાન 26 બેઠકોમાં 14 બેઠકોનો વધારો ઉમેરતાં કુલ 39 બેઠકો થાય છે, જ્યારે માત્ર 1 બેઠકનો વધારો (26 થી 27) ફક્ત કુલ બેઠકો સ્થિર રાખવાના પહેલા મોડેલ પૂરતો જ સીમિત છે.
- સરકારની 50% સમાન વધારાની ફોર્મ્યુલા: કેન્દ્ર સરકારે દરેક રાજ્યની હાલની બેઠકોમાં દોઢ ગણો (50%) વધારો કરવાનો રસ્તો અપનાવ્યો છે. આ ફોર્મ્યુલા હેઠળ ગુજરાતની વર્તમાન 26 લોકસભા બેઠકો વધીને આશરે 39 થશે, એટલે કે રાજ્યને સીધો 13 બેઠકોનો ફાયદો થશે. આ જ રીતે હરિયાણાની બેઠકો 10 થી વધીને 15 (+5), ઝારખંડની 14 થી 21 (+7) અને મહારાષ્ટ્રની 48 થી 72 (+24) થશે.

ગુજરાતના રાજકારણ પર પડનારી અન્ય મોટી અસરો
- વિધાનસભા બેઠકો 273 સુધી પહોંચશે: ગુજરાતમાં 1975 થી વિધાનસભાની 182 બેઠકો યથાવત છે. 50% વધારાના નિયમ મુજબ ગુજરાત વિધાનસભાની બેઠકો પણ 182 થી વધીને 273 થઈ શકે છે.
- મહાનગરો અને અનામત બેઠકોનું નવું ગણિત: ઝડપી શહેરીકરણને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં નવા મતવિસ્તારો અસ્તિત્વમાં આવશે. તેમજ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠકોના ભૌગોલિક વિસ્તારોમાં પણ મોટા ફેરફાર થશે.
મહિલા અનામત: ગુજરાત અને દેશની મહિલાઓ માટે શું બદલાશે?
સીમાંકનના આ નવા માળખાનો સૌથી મોટો અને સીધો ફાયદો મહિલાઓની રાજકીય ભાગીદારીને થવાનો છે
- 2029 થી 33% અનામત લાગુ થશે: કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ, સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2029 ની લોકસભા ચૂંટણીથી દેશભરમાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
- ગુજરાતમાંથી 13 મહિલા સાંસદો ચૂંટાશે: જો વર્તમાન 26 બેઠકો પર 33% અનામત લાગુ થઈ હોત, તો ગુજરાતમાંથી 8 કે 9 મહિલા સાંસદો ચૂંટાત. પરંતુ 50% ફોર્મ્યુલાથી ગુજરાતની બેઠકો 39 થવાને કારણે હવે રાજ્યમાંથી અંદાજે 13 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તેવી જ રીતે ગુજરાત વિધાનસભાની 273 બેઠકો થાય તો તેમાંથી અંદાજે 90 બેઠકો મહિલા ધારાસભ્યો માટે અનામત થઈ શકે છે.
- કેબિનેટની મંજૂરી: 27 નવેમ્બર 2026 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા અનામતને સીમાંકન સાથે જોડતા સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેથી 2029 પહેલાં આ કાયદો અમલમાં મૂકવાનો માર્ગ મોકળો બન્યો છે.
વસ્તી આધારિત મોડેલ વિરુદ્ધ 50% ફોર્મ્યુલા: કયા રાજ્યને કેટલો ફાયદો? કેટલું નુકસાન?
જો માત્ર વસ્તીના આધારે (કુલ બેઠકો સ્થિર રાખીને) સીમાંકન થયું હોત, તો ઉત્તર પ્રદેશ (80 થી વધીને 89, એટલે કે +9), બિહાર (40 થી વધીને 46, એટલે કે +6) અને રાજસ્થાન (+5 બેઠકો) જેવા રાજ્યોનો હિસ્સો વધી જાત, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો અને વસ્તી નિયંત્રણ કરનારા રાજ્યોને મોટું નુકસાન થાત. તમિલનાડુની બેઠકો 39 થી ઘટીને 32 (-7) અને કેરળની 20 થી ઘટીને 15 (-5) થઈ જાત.
રાજ્ય | વર્તમાન બેઠકો | વસ્તી આધારિત મોડેલ (કુલ બેઠકો સ્થિર) | ફેરફાર (વસ્તી મોડેલ) | સરકારની 50% ફોર્મ્યુલા મુજબ અંદાજિત બેઠકો |
ગુજરાત | 26 | 27 | +1 | 39 |
મહારાષ્ટ્ર | 48 | 50 | +2 | 72 |
હરિયાણા | 10 | 11 | +1 | 15 |
ઝારખંડ | 14 | 15 | +1 | 21 |
છત્તીસગઢ | 11 | 11 | 0 (કોઈ ફેરફાર નહીં) | 16 અથવા 17 |
આસામ | 14 | 14 | 0 (કોઈ ફેરફાર નહીં) | 21 |
ગોવા | 2 | 2 | 0 (કોઈ ફેરફાર નહીં) | 3 (અથવા નિયમ મુજબ) |
પંજાબ | 13 | 12 | -1 | 19 અથવા 20 |
પશ્ચિમ બંગાળ | 42 | 41 | -1 | 63 |
ઓડિશા | 21 | 19 | -2 | 31 અથવા 32 |
તમિલનાડુ | 39 | 32 | -7 | 58 અથવા 59 |
કેરળ | 20 | 15 | -5 | 30 |
50% ફોર્મ્યુલા હેઠળ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ
સરકારની 50% વધારાની ફોર્મ્યુલાથી દક્ષિણ ભારત સહિત દેશના દરેક રાજ્યની બેઠકોમાં વધારો થશે.
- મોટા રાજ્યો: ઉત્તર પ્રદેશમાં 80 થી વધીને 120 (+40 બેઠકો), બિહારમાં 40 થી 60 (+20), મધ્ય પ્રદેશમાં 29 થી વધીને 43 અથવા 44, અને રાજસ્થાનમાં 25 થી વધીને 37 અથવા 38 બેઠકો થઈ શકે છે.
- દક્ષિણ ભારતના રાજ્યો: તમિલનાડુમાં 39 થી વધીને 58 અથવા 59, કર્ણાટકમાં 28 થી 42 (+14), આંધ્ર પ્રદેશમાં 25 થી વધીને 37 અથવા 38, કેરળમાં 20 થી 30 (+10) અને તેલંગાણામાં 17 થી વધીને 25 અથવા 26 બેઠકો થવાનો અંદાજ છે.
- નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો: દિલ્હીમાં 7 થી વધીને 10 અથવા 11, જમ્મુ અને કાશ્મીરમાં 5 થી વધીને 7 અથવા 8, તથા અન્ય નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મળીને હાલની 29 બેઠકો વધીને 43 અથવા 44 થઈ શકે છે.
સીમાંકન પ્રક્રિયા શું છે?
સીમાંકન એટલે વસ્તી અને અન્ય નિર્ધારિત માપદંડોના આધારે લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોની ભૌગોલિક સીમાઓ ફરીથી દોરવી, જેથી દરેક મતવિસ્તારમાં પ્રતિનિધિત્વ સંતુલિત રહે. ભારતમાં આ કામગીરી 'સીમાંકન પંચ' (Delimitation Commission) દ્વારા થાય છે, જે એક ઉચ્ચ સ્તરીય બંધારણીય સંસ્થા છે અને તેના આદેશોને કાયદાકીય માન્યતા હોય છે. અગાઉ ભારતમાં 1952, 1963, 1973 અને 2002 માં સીમાંકન પંચોની રચના થઈ ચૂકી છે.
સંસદ સત્ર અને બિલની મુખ્ય જોગવાઈઓ
30 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2026 સુધી બોલાવાયેલા સંસદના વિશેષ સત્રમાં સરકાર '132મો બંધારણીય સુધારો બિલ, 2026' રજૂ કરવા જઈ રહી છે.
- આ બિલમાં લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 550 થી વધારીને 850 (રાજ્યોમાંથી 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35) તથા રાજ્યોની વિધાનસભાઓની મહત્તમ મર્યાદા 500 થી વધારીને 650 કરવાની જોગવાઈ છે.
- બંધારણની કલમ 334A હેઠળ દરેક રાજ્યમાં 50% સમાન વધારો કરીને રાજ્યો વચ્ચે બેઠકોનો વર્તમાન ગુણોત્તર વર્ષ 2050-2051 સુધી સ્થિર રાખવાનો પ્રસ્તાવ મુકાયો છે.
શું 50% ફોર્મ્યુલા ભાજપને રાજકીય લાભ આપશે? વિપક્ષની ચિંતા અને સરકારનો જવાબ
- રાજકીય લાભનું ગણિત: સરકારની આ ફોર્મ્યુલાથી લોકસભાની કુલ બેઠકોમાં દરેક રાજ્યનો વર્તમાન હિસ્સો લગભગ સમાન રહેશે. જ્યારે વસ્તી આધારિત મોડેલમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનનો હિસ્સો વધત અને તમિલનાડુ-કેરળનો ઘટત. તેથી, માત્ર બેઠકોની સંખ્યા વધવાથી કોઈ એક રાજકીય પક્ષને સીધો ફાયદો થશે તેવું તારણ કાઢવું યોગ્ય નથી; ચૂંટણી પરિણામો જે-તે રાજ્યની સ્થાનિક રાજકીય પરિસ્થિતિ પર જ નિર્ભર રહેશે.
- વિપક્ષની ચિંતા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી દળોએ આ બિલ સામે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષની મુખ્ય ચિંતા એ છે કે ભલે રાજ્યોનો વર્તમાન હિસ્સો જળવાઈ રહે, પરંતુ રાજ્યની અંદર મતવિસ્તારોની સીમાઓ બદલવાથી ચૂંટણી ગતિશીલતા પર અસર પડી શકે છે અને તેનો રાજકીય લાભ ઉઠાવવામાં આવી શકે છે. જોકે, DMK અને BRS જેવા પ્રાદેશિક પક્ષોએ કેટલીક શરતો સાથે સમર્થનના સંકેત આપ્યા છે.
- સરકારનો જવાબ: કેન્દ્ર સરકારે વિપક્ષની ચિંતાઓને ફગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે નવી વસ્તી ગણતરી (જે 2027 માં પૂર્ણ થશે) પછી સીમાંકન કરવામાં ઘણો લાંબો સમય નીકળી જાય, જેના કારણે 2029 ની લોકસભા ચૂંટણી પહેલાં મહિલા અનામત લાગુ કરવું મુશ્કેલ બની જાય. તેથી આ પ્રક્રિયામાં વિલંબ થવો જોઈએ નહીં.
હાલમાં સરકારની આ યોજના પ્રસ્તાવિત તબક્કે છે; સંસદમાં બિલ પસાર થયા બાદ જ્યારે સીમાંકન પંચ પોતાની પ્રક્રિયા પૂર્ણ કરશે, ત્યારે જ ગુજરાત સહિત દરેક રાજ્યની વાસ્તવિક બેઠકો અને નવા મતવિસ્તારોની અંતિમ સીમાઓ સ્પષ્ટ થશે.




