Get The App

વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા 1 - image

જૂનાગઢના ભેજાબાજ ચીટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

ભીડીયા કોળી સમાજના પૂર્વ પ્રમુખ સહિતના લોકોને સરકારી ખરાબાની જમીન અપાવી દેવાના બહાને જાળ બીછાવી, વધુ ૨૫ લાખ માંગતા ભાંડો ફૂટયો

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સરકારી ખરાબાની જમીન પર રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પ્લોટ રેગ્યુલર કરાવી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાને ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખાવતા જૂનાગઢના એક શખસે ભીડીયા પ્લોટ વિસ્તારના ૯૭ જેટલા લોકો પાસેથી ફાઈલ દીઠ રૂા. ૨૫,૦૦૦ ખંખેરી કુલ રૂા.૨૪.૨૫ લાખની ઠગાઈ કરી છે. આ મામલે વેરાવળ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ભીડીયા કોળી સમાજના પૂર્વ પટેલ રમેશભાઈ બારૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૧માં ભીડીયા પ્લોટ વિસ્તારના નવાપરામાં રહેતા કોળી સમાજના લોકોના મકાનો સરકારી ખરાબાની જમીન પર હોવાથી તેને રેગ્યુલર કરાવવા માટે સમાજમાં ચર્ચાઓ થતી હતી. આ દરમિયાન તેમના પરિચિત નાનુદાદાએ જૂનાગઢના અશોકભાઈ ભોગીલાલ પંડયાનો સંપર્ક કરાવ્યો હતો. જેણે પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી સરકારી સ્કીમ હેઠળ પ્લોટ રેગ્યુલર કરાવી આપવાની ખાતરી આપી હતી. જો કે તેણે શરત મૂકી હતી કે ૨૦ બાય ૨૦ ના પ્લોટ રેગ્યુલર કરાવવા માટે ફાઈલ દીઠ રૂા.૨૫,૦૦૦ ખર્ચ થશે. તેની વાતમાં આવી જઈને રમેશભાઈ સહિત સમાજના ૯૭ લોકોએ પોતાના આધારકાર્ડ, લાઈટબીલ અને હાઉસ ટેક્સની પહોંચ સાથે ફાઈલો તૈયાર કરી હતી. 

બાદમાં ઓગસ્ટ ૨૦૨૧માં આરોપી અશોક પંડયા વેરાવળ ખાતે સમાજની ઓફિસે આવ્યો હતો અને આગેવાનોની હાજરીમાં કુલ રૂા.૨૪.૨૫ લાખ રોકડા સ્વીકારી એકાદ વર્ષમાં કામ પૂરું કરવાની ખાતરી આપી હતી. પરંતુ સમય વીતવા છતાં કામ ન થતા સમાજના લોકોએ તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે દર વખતે 'કામ ચાલુ છે' તેમ કહી વાયદા કરતો હતો. તાજેતરમાં જ્યારે આરોપીએ વેરાવળ આવીને કામ પૂરું કરવાના બહાને વધુ રૂા.૨૫ લાખની માંગણી કરી ત્યારે લોકોને શંકા ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે તે કોઈ સરકારી અધિકારી કે ડેપ્યુટી કલેક્ટર નથી, પરંતુ એક ભેજાબાજ ઠગ છે. આખરે પીડિતોએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. વેરાવળ પોલીસે ફરિયાદના આધારે આરોપી અશોકભાઈ ભોગીલાલ પંડયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.