Gujarat

વડોદરા શહેરમાં તા. 25 સુધી સફાઈનું સામુહિક અભિયાન શરૂ

By GS Team
6 Dec 20212 mins read
This article was originally published on 6 Dec 2021
વડોદરા શહેરમાં તા. 25 સુધી સફાઈનું સામુહિક અભિયાન શરૂ

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન આજથી શરૂ થયું છે .જે તારીખ 25 સુધી ચાલશે. આજે સવારે માંડવી પાસે સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્પોરેશનના હોદ્દેદારોએ હાથમાં ઝાડુ લઈ પ્રતિકાત્મક સફાઈ કરાવી સફાઈ ઝુંબેશ પ્રારંભ કરાવી હતી. 

આ પ્રસંગે મેયર એ જણાવ્યું હતું કે વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા તારીખ 25 સુધીનું આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં તમામ ચૂંટણી વોર્ડ આવરી લેવામાં આવશે. જાહેર સ્થળો ,બાગ-બગીચાઓ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળે પણ સફાઈ કાર્ય કરવામાં આવશે. સૌ સાથે મળીને વડોદરાને સ્વચ્છ બનાવીએ તે જરૂરી છે.


વડોદરા શહેરનો સ્વચ્છતા અભિયાનમાં હાલ દેશમાં આઠ  નંબર છે. જેને એક નંબર સુધી લઈ જવા આગળ વધવાનું છે. સ્વચ્છતા એ અધિકાર નહીં,  ફરજ પણ છે જ્યારે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે વડોદરામાં સફાઇની કામગીરી કરતાં સફાઈ સેવકો ની મહેનત નિરર્થક ન જાય તે માટે તમામ લોકોએ સફાઈ કાર્યમાં સહયોગ આપવાની જરૂર છે. થોડા સમય પહેલા મારી બીટ સ્વચ્છ બીટ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. 


સ્વચ્છતામાં જે કોઈ સહયોગ ના આપે તેની પાસેથી દંડ વસૂલ કરવા પણ તેમણે તાકીદ કરી હતી. આ પ્રસંગે એમ જી રોડ પર સૌ હોદ્દેદારો, કોર્પોરેટરો અને પદાધિકારીઓ ચાલતા નીકળ્યા હતા. તેની સાથે શાળાના બાળકો પણ સૂત્રોચ્ચાર સાથે રેલીમાં જોડાયા હતા. તારીખ 6 બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે અને તારીખ 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે, ત્યાં સુધી આ સામૂહિક સફાઈ અભિયાન ચાલવાનું છે.


રોજ એક ચૂંટણી વોર્ડમાં કોર્પોરેશનનો તમામ સ્ટાફ આખો દિવસ સફાઈ કાર્ય કરશે જેમાં સંબંધિત એન્જિનિયરિંગ તથા સેનેટરી વિભાગના કર્મચારીઓ પણ જોડાશે. રોડ સાઈડ પર પડી રહેલ થાંભલાઓ, વાયરિંગ બોર્ડ, પાઈપો, કાટમાળ વગેરે હટાવીને સફાઈ કરવામાં આવશે.