Gujarat

સુરત: કેટલીક સોસાયટીમાં કચરાની ગાડી ના આવતા લોકોએ રસ્તા પર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો

By GS Team
12 Dec 20211 min read
This article was originally published on 12 Dec 2021
સુરત: કેટલીક સોસાયટીમાં કચરાની ગાડી ના આવતા લોકોએ રસ્તા પર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો

સુરત, તા. 12 ડિસેમ્બર 2021 રવિવાર

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે આજે પૂણાની કેટલીક સોસાયટીના રહીશોએ જાહેર રસ્તા પર કચરો નાખી દીધો હતો. છેલ્લા ચારેક દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ગાડી ના આવતા લોકોએ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પણ તેનો નિકાલ ન થતા લોકોએ આજે સવારે જાહેર રસ્તા પર કચરો નાખીને વિરોધ નોંધાવ્યો હતો.


સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં પુણા વિસ્તાર આવ્યો છે જેની કેટલીક સોસાયટીમાં રોજેરોજ કચરો લેવા આવતી ગાડી અનિયમિત છે. કેટલીક સોસાયટીમાં છેલ્લા ચારેક દિવસથી કચરાની ગાડી આવી જ નહતી. જેને કારણે લોકોએ ઘરનો કચરો નાખવા માટે મુશ્કેલી વેઠવી પડતી હતી. 


આ સમસ્યાના નિવારણ માટે લોકોએ પાલિકામાં ફરિયાદ કરી હતી. તેમ છતાં આજે પણ ગાડી ના આવતા લોકો વિફર્યા હતા. પાલિકાની કામગીરીથી કંટાળેલા લોકોએ આજે પુણાના જાહેર રસ્તા પર કચરો નાખીને વિરોધ નોંધાવ્યો હતો. લોકોના આ વિરોધને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું.