Gujarat

જૂનાગઢ જિ.પંચાયતમાં 20થી 30 ટકા લઈ ગ્રાન્ટ વેંચવાનો ચાલતો ગોરખધંધો

By GS Team
29 May 20202 mins read
This article was originally published on 29 May 2020
જૂનાગઢ જિ.પંચાયતમાં 20થી 30  ટકા લઈ ગ્રાન્ટ વેંચવાનો ચાલતો ગોરખધંધો

કલીપ પોતાની ન હોવાનું જણાવતા કારોબારી ચેરમેન

જૂનાગઢ, તા. ૨૯ મે, ૨૦૨૦, શુક્રવાર

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામની ગ્રાન્ટનો પણ વેપલો થઈ રહ્યો છે. અને ૨૦થી ૩૦ ટકા લઈ ગ્રાન્ટ વેંચવાનો ગોરખ ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે. કારોબારી ચેરમેન તથા એક સરપંચની ગ્રાન્ટની ટકાવારી તથા ગ્રાન્ટ વેંચાતી લેવા મુદ્દે થયેલી વાતચીતની ઓડીયો ક્લીપ વાઈરલ થતા ચકચાર વ્યાપી છે. આ કલીપ અંગે કારોબારી ચેરમેનનો સંપર્ક કરતા તેઓએ પોતે કોઈ સાથે વાત કરી નથી અને આ કલીપમાં પોતે આક્ષેપ કર્યો હતા.

ગત તા.૧૫મેના જૂનાગઢ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠક મળી હતી. તેમાં કોઈ કામ મંજૂર કરવા બાબતે ચર્ચા થઈ ન હતી. તેમ છતાં પાછળથી ૧.૨૭ કરોડના કામ પાછલા બારણેથી મંજૂર કરાવી લીધા હતાં. જેની સામે કારોબારીના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને કારોબારી ચેરમેને ભ્રષ્ટાચારના ઈરાદે પાછળતી કામ મંજૂર કરાવ્યા હોવાનો કારોબારી સભ્યોએ આક્ષેપ કર્યો હતો.

જયારે આજે કારોબારી ચેરમેન અને પાતાપુરના સરપંચ વચ્ચે થયેલી વાતચીતનો ઓડીયો વાઈરલ થયો છે. જેમાં સરપંચે વિકાસ કામ માટે ગ્રાન્ટ આપવાની વાત કરી ૧૫ ટકા કોઈ લેતુ હોય તો આપવા તૈયારી દર્શાવી હતી. પરંતુ કારોબારી ચેરમેને ૧.૨૦ કરોડની ગ્રાન્ટ પુરી થઈ ગઈ છે. અને પોતે પણ અન્ય સભ્ય પાસેથી ૩૦ લાખની ગ્રાન્ટ ૨૦ ટકા લેખે વેંચાતી લીધી હોવાનું કહ્યું હતું જેને ચૂંટણી લડવી ન હોય તેવા સભ્યો આવી રીતે પોતાની ગ્રાન્ટ ટકાવારી લઈ વેંચતા હોવાનું જણાવ્યું હતું.

આમ ગ્રામ્ય વિસ્તારના વિકાસકામો કરવાની ગ્રાન્ટ ટકાવારી લઈને વેંચવાનો ગોરખ ધંધો ચાલતો હોવાનું સામે આવતા ચકચાર વ્યાપી ગઈ હતી.

 આ અંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન લાલજીભાઈ ડોબરીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કલીપ મારી પાસે આવી છે મે સાંભળી છે. પરંતુ મેં કોઈ આવી વાત કરી નથી. વિપક્ષ દ્વારા મારા નામે આવી કલીપ બનાવી વહેતી કરવામાં આવી હોવાનું કહ્યું હતું.