સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ
Gujarat News: ગુજરાતની સરકારી હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજો તેમજ GMERS મેડિકલ કોલેજો તેમજ સંલગ્ન હોસ્પિટલોમાં દવાઓથી માંડી સાધનોની ખરીદીમાં ગોટાળા થતા હોવાનું સામે આવ્યું છે. સરકારના આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે, યોગ્ય ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં નથી આવતી, તેમજ રેટ કોન્ટ્રાક્ટનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ સિવાય પણ અન્ય વસ્તુઓ અધિકાર ક્ષેત્રની બહાર જઈને લેવામાં આવે છે.
રેટ કોન્ટ્રાક્ટનું પાલન કરવાનો કડક આદેશ
સરકારના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે કે, સરકારી મેડિકલ કોલેજો, જીએમઈઆરએસ મેડિકલ કોલેજો તેમજ જિલ્લા હોસ્પિટલો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં દવાઓ કે સાધનોની ખરીદી માટે સરકારના જીએમએસસીએલના રેટ કોન્ટ્રાક્ટ હોવા છતાં સ્થાનિક ખરીદી કરવામા આવી રહી છે. યોગ્ય ટેન્ડર પ્રક્રિયા વિના ખરીદી કરવામા આવી રહી છે. પીએમ જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ સિવાયની વસ્તુઓ જેવી કે ઈમ્પ્લાન્ટ્સ, કિટ્સ વગેરે વસ્તુઓ અધિકારક્ષેત્રની બહાર જઈને મેળવવામાં આવી રહી છે. જે માટે પીએમ જનઔષધી સ્ટોરને વચેટિયા તરીકે ઉપયોગ કરવામા આવી રહ્યો છે.
સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલને કડક આદેશ
યોગ્ય ટેન્ડરિંગ વિના અને યોગ્ય વાર્ષિક માંગ કે પૂર્વાનુમાન વિના ટેન્ડરોને વિભાજિત કરવા સ્થાનિક ખરીદીઓ થઈ રહી છે. ટેન્ડરિંગ વિના લાંબા સમયગાળા માટે અન્ય સંસ્થાઓના આરસીનો ઉપયોગ કરીને ખરીદી થાય છે. આમ સરકારના આરોગ્ય વિભાગે આ ગેરરીતિઓ નોંધીને સરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલોને પરિપત્ર કરીને કડક આદેશ કર્યા છે.
આ પણ વાંચોઃ પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવા માટે હવે એક જ હેલ્પલાઈન નંબર, 112 નંબર ડાયલ કરી શકાશે
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં હોય ત્યાં સુધી તમામ સંસ્થાએ જીએમએસસીએલ દ્વારા દવાઓ-સાધનો-તબીબી વસ્તુની ખરીદી કરવાની રહેશે. જ્યારે રેટ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ ન હોય તો જીએમએસસીએલને જાણ કરીને અથવા રેટ કોન્ટ્રાક્ટ ધારક પાસેથી પ્રક્રિયા કરીને ખરીદી કરવાની રહેશે. પીએમ જનઔષધી સ્ટોરમાં માત્ર જેનરિક દવાઓ જ મેળવવાની રહેશે. આ ઉપરાંત પોર્ટલ અથવા એનપ્રોક્યુર પર સમાંતર ટેન્ડર પણ બહાર પાડવુ ફરજીયાત છે. જો સરકારની આ સૂચનાઓનું પાલન નહીં થાય તો ધારા-ધોરણોની વિરૂદ્ધ થયેલી ખરીદીઓમાં સામેલ અધિકારીને વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે.