પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવા માટે હવે એક જ હેલ્પલાઈન નંબર, 112 નંબર ડાયલ કરી શકાશે
Single Emergency Helpline: ગુજરાતમાં મેડિકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. રવિવારે (31 ઓગસ્ટ) જનરક્ષક હેઠળ 112 ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઈમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં 150 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ગૃહમંત્રી અમિત શાહે 500 જેટલી 112 જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું.
તમામ ઈમરજન્સી સેવા માટે 112
રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની સેવા માટે 101, અભયમ હેલ્પલાઇન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં અલગ-અલગ સેવા માટે અલગ-અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. હવે 112 નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઈ શકાશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું કૉલ સેન્ટરનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મૂકી હતી. આ સાથે પોલીસે હાઉસિંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ 112 માટે અમદાવાદ ખાતે એક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જે કૉલ રીસિવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે-તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનિટરિંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી 500 વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે.
આ પણ વાંચોઃ વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો
112 જનરક્ષક સેવાને 108 મેડિકલ ઈમરજન્સી મોડલના આધારે સંચાલિત રકીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કૉલ સેન્ટરનો વ્યાપ વધશે.